કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજારપુની હાજરીમાં અદાણી ગ્રુપ અને બ્રાઝિલની અગ્રણી કંપની એમ્બ્રેર વચ્ચે સમજૂતી થઈ હતી. (@RamMNK/X via PTI Photo)

બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ અને બ્રાઝિલની અગ્રણી એરોસ્પેસ કંપની એમ્બ્રેરે મંગળવારે ભારતમાં પ્રાદેશિક વિમાન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી હતી. આ ભાગીદારી સાથે અદાણી ગ્રુપ વિમાન ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કરશે. બંને કંપનીઓ ભારતમાં એમ્બ્રેરના રિજનલ એરક્રાફ્ટની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) પણ સ્થાપિત કરશે.

ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે અને આ ભાગીદારી ટાયર 2 અને 3 શહેરો સાથે હવાઈ જોડાણ વધારવામાં મદદ કરશે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ખાતે એક કાર્યક્રમમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એમ્બ્રેરના અધિકારીઓએ ભારતમાં પ્રાદેશિક પરિવહન વિમાનો પર વ્યૂહાત્મક સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા કર્યા હતાં.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે એમ્બ્રેર સહયોગથી ભારતમાં રિજનરલ એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરાશે. એમ્બ્રેર ૧૫૦ બેઠકો સુધીની ક્ષમતા કોમર્શિયલ જેટ બનાવે છે.
બંને કંપનીઓ વિમાન ઉત્પાદન, સપ્લાય ચેઇન, આફ્ટરમાર્કેટ સર્વિસ અને પાયલટ તાલીમના ક્ષેત્રમાં પણ સહયોગની ચકાસણી કરશે.

નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે આ સહયોગ ફક્ત પ્રાદેશિક વિમાનના એસેમ્બલિંગ વિશે નથી, પરંતુ નવી ટેકનોલોજી ટ્રાન્સફર, કૌશલ્ય, મજબૂત સપ્લાય ચેઇન તેમજ ભારતને પ્રાદેશિક વિમાન માટે વિશ્વસનીય ઉત્પાદન કેન્દ્ર બનાવવા વિશે પણ છે.

એમ્બ્રેરની ઇ-જેટ્સે 2005માં ભારતમાં બિઝનેસ ચાલુ કર્યો છે. હાલમાં ભારતીય વાયુસેના, સરકારી એજન્સીઓ, બિઝનેસ જેટ ઓપરેટરો અને વાણિજ્યિક એરલાઇન સ્ટાર એર પાસે એમ્બેરરના 50 રિજનલ જેટ છે.

LEAVE A REPLY