કેદારનાથ ધામ (PTI Photo)

હરિદ્વારમાં કુંભ વિસ્તારમાં 105 ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વિવાદાસ્પદ હિલચાલ વચ્ચે બદ્રીનાથ, કેદારનાથ અને બીજા 47 મંદિરોનું સંચાલન કરતી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) પણ બિન હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે.

મંદિર સમિતના અધિકારીએ જણાવ્યું હતું કે આ દરખાસ્તને આ સપ્તાહના અંત ભાગમાં મંજૂરી મળવાની ધારણા છે. જોકે ચાર પવિત્ર તીર્થસ્થાનોમાંથી એક યમુનોત્રી મંદિર સમિતિએ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે સમિતિએ મંદિર વિસ્તારોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અંગે સંતો, તીર્થયાત્રી, પૂજારીઓ અને સ્થાનિકો સહિત તમામ હિતધારકો વચ્ચે સર્વસંમતિ સાધી છે. ગંગોત્રી મંદિર સમિતિએ પહેલાથી જ પોતાનો નિર્ણય લઈ લીધો છે. આ પ્રસ્તાવને આ અઠવાડિયાના અંતમાં મંદિર સમિતિ બોર્ડની બેઠકમાં ઔપચારિક રીતે મંજૂરી અપાશે.બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ આદિ શંકરાચાર્યના સમયથી છે અને આપણું બંધારણ પણ આપણને આપણા ધાર્મિક સ્થળોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.

તેમણે કહ્યું હતું કે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરો પર્યટન સ્થળો નથી, પરંતુ શ્રદ્ધાના કેન્દ્રો છે. આ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વૈદિક કેન્દ્રો છે. ભારતીય બંધારણની કલમ 26 દરેક સંપ્રદાયને તેના ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. આ મંદિરોમાં સનાતન ધર્મમાં માનનારા લોકોનું સ્વાગત છે.

કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં શીખ અને જૈન ભક્તો વિશે પૂછવામાં આવ્યું ત્યારે દ્વિવેદીએ કહ્યું કે આ મુદ્દો કોઈ ચોક્કસ ધર્મનો નથી, પરંતુ ધાર્મિક સ્થળ પ્રત્યે વ્યક્તિની શ્રદ્ધાનો છે.

દરમિયાન ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું કે, બિન-હિંદુઓને ગંગા મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ કહ્યું હતું કે મંદિર સમિતિઓ ચાર ધામ યાત્રાના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જ્યારે સરકારની ભૂમિકા ફક્ત સહાયક છે. આ સંદર્ભમાં તમામ હિસ્સેદારોને સાંભળવામાં આવશે.

આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર જનતાની સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવું કરી રહી છે.

LEAVE A REPLY