ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂનાગઢનો ‘મીની કુંભ’ તરીકે ઓળખાતો આ વર્ષેનો મહાશિવરાત્રી મેળો સૌથી મોટો અને સૌથી યાદગાર બની રહેશે. આ મેળો આ વર્ષે ૧૧થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે તથા વહીવટીતંત્ર સાધુઓ અને ભક્તોના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આ વર્ષે 11 ફેબ્રુઆરીએ સાધુ-સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 1.5 કિમીથી વધારી 2 કિમી કરાયો, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે. આ વર્ષે શાહી સ્નાનનું લાઈવ પ્રસારણ કરાશે.
સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે ભવનાથ ખાતે મેળામાં લાખો શ્રદ્ધાળુઓની અપેક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં આ વર્ષે 2,900 પોલીસ કર્મચારી તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર રહેશે. જૂનાગઢના ‘મીની કુંભ’ તરીકે ઓળખાતા મહાશિવરાત્રી મેળામાં આવતા સાધુઓ અને ભક્તોનું સ્વાગત કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ભક્તો માટે વહીવટીતંત્રે આ વર્ષે રવેડી રૂટને 500 મીટર લંબાવીને કુલ 2 કિમી કર્યો છે.
સરકારની પૂર્વ તૈયારી અંગે સંઘવીએ જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રખાશે, જ્યારે પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, રહેઠાણ અને શયનગૃહ સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પ્રવાસન વિભાગ ભગવાન ભોલેનાથની થીમ પર આધારિત સમગ્ર રૂટને સજાવશે અને જૂનાગઢ શહેરને સુશોભન લાઇટિંગથી પ્રકાશિત કરાશે. રૂટ પર અનેક સેલ્ફી પોઈન્ટ અને માહિતી કેન્દ્રો પણ સ્થાપિત કરાશે.
શાહી સ્નાન દરમિયાન મેળાનું લાઇવ સ્ટ્રીમિંગ કરાશે. પહેલી વાર જૂનાગઢ પોલીસ દ્વારા મેળાના સંચાલનમાં મદદ કરવા માટે 1,000થી વધુ સ્થાનિક યુવાનો સ્વયંસેવકો તરીકે જોડાશે. 300થી વધુ સામાજિક સંસ્થાઓએ ભક્તો માટે રહેવા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા કરી છે. મેળાના માર્ગ પર પીવાના પાણી અને સ્વચ્છ શૌચાલયની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે













