કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. આ અંગે વન અને પર્યાવરણ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે. રાજ્યમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે.
એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રીઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે.











