ટ્રમ્પ પ્રશાસને અમેરિકન સંસ્થામાં પાકિસ્તાની સેના માટે પોતાના સૈન્ય પ્રશિક્ષણ કાર્યક્રમને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્ય અમેરિકન રાજકીય અધિકારીએ જણાવ્યું છે કે, તેનાથી બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધુ મજબૂત થશે. ગયા વર્ષે ઓગસ્ટ 2018માં અમેરિકાએ પોતાના દેશમાં પાકિસ્તાની સૈનિકો પર પ્રશિક્ષણ પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાન અને મોસ્કો વચ્ચે સૈન્યને રશિયાના કેન્દ્રોમાં પ્રશિક્ષણની મંજૂરી માટે થયેલી સમજૂતી પછી ટ્રમ્પ પ્રશાસને આ પગલાં લીધા છે.
અમેરિકન કાર્યવાહીમાં શુક્રવારે ઈરાનની ઈલીટ કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની અને ઈરાકના ઈરાન સમર્થિત સંગઠન- પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (પીએમએફ)ના કમાન્ડર અબુ મહદી અલ-મુહંદિસ સહિત આઠ લોકોના મોત થયા હતા. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે ફોન પર વાત કરીને ત્યાંની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.ત્યારપછી દક્ષિણ અને મધ્ય એશિયાના કાર્યવાહક સહાયક સચિવ એલિસ જી વેલ્સે શુક્રવારે ટ્વિટ કરી હતી- રાષ્ટ્રપતિએ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સૈન્ય શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ (આઈએમઈટી)ને મંજૂરી આપી હતી.