પાકિસ્તાનના નનકાના સાહેબમાં શુક્રવારે લાખોની ભીડે સિખોના સૌથી પવિત્ર ધર્મસ્થળમાંથી એક નનકાના સાહેબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો છે. અહીં બપોરે જ ભીડે ગુરુદ્વારાને ઘેરી લીધુ હતું. હાલમાં ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિઓ નિયંત્રણમાં નહી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાનો વાયરલ થયેલા વીડિયોમાં પાકિસ્તાની કટ્ટરપંથીઓ સિખોને ત્યાંથી ભગાડવા અને પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપી રહ્યા છે.

પથ્થરમારાને કારણે પેહલીવાર અહીં ભજન કિર્તન બંધ રાખવાની ફરજ પડી હતી. અહીં ગુરુ ગોવિંદ સિંહજીના ગુરુપર્વ નિમિત્તે અખંડ પાઠ શરુ કરવાનું આયોજન હતું પરંતુ સમગ્ર વિસ્તારમાં તણાવભરી ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. ખુલાસાજનક બાબત એ છે કે ભીડનું નેતૃત્વ ગત વર્ષે નનકાના સાહેબની એક સિખ યુવતીનું અપહરણ કરી ધર્માંતરણ કરી નિકાહ કરાવનારો આરોપી મોહમ્મદ હસન અને તેનું પરિવાર કરી રહ્યું છે.

તેઓ આરોપ લગાવી રહ્યા છે પોતાની મરજીથી ઇસ્લામ સ્વીકારનાર અને નિકાહ કરનાર સિખ યુવતીઓને લઇને સિખ સમુદાય ખોટો હંગામો મચાવી રહ્યો છે. નોંધનીય છે કે, ગત વર્ષે જગજીત કૌરનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું, આ યુવતી નનકાના સાહેબ ગુરુદ્વારાના ગ્રંથીની પુત્રી હતી.

બીજી તરફ અકાળી દળે નનકાના સાહેબ ગુરુદ્વારા પર ભીડ દ્વારા હુમલાની આકરી નિંદા કરવામાં આવી છે અને પાકિસ્તાન વડાપ્રધાનને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાકિસ્તાનમાં ગુરુદ્વારા જન્મ સ્થળ નનકાના સાહેબ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાના વિરોધમાં સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને અકાળી દળે શનિવારે દિલ્હીમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ બહાર પ્રદર્શનનું એલાન કર્યું છે.

આ વીડિયો એવા સમયે બહાર આવ્યો છે જ્યારે ભારતમાં નાગરિકતા કાયદાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનિસ્તાની ધાર્મિક અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા પ્રદાન કરવામાં આવશે.