દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થતાં આમઆદમી પાર્ટીને 67, ભાજપને સાત બેઠકો મળી છે, જયારે કોંગ્રેસ માટે અતિશરમજનક કહેવાય તે સ્થિતિ ઊભી થઇ છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં અંદાજે માત્ર 4.4 ટકા વોટ્સ મળ્યા છે અને સામે એકપણ બેઠક મળી નથી. આવી સ્થિતિ ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના 67 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે.
જો કોંગ્રેસની ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા કરીએ તો, પક્ષમાં ચૂંટણી પ્રચારના પ્રારંભથી જ નિરુત્સાહ દેખાતો હતો. પ્રદેશ અધ્યક્ષની નિમણૂકનો મુદ્દો હોય કે, પછી ઉમેદવારોની પસંદગીનો મામલો હોય, કોંગ્રેસમાં કોઇપણ પ્રકારની વ્યૂહરચનાનો અભાવ જોવા મળતો હતો. જેની અસર મતદારો પર પડી હતી. બીજી તરફ આમઆદમી પાર્ટી પાસે મુખ્યપ્રધાનપદે અરવિંદ કેજરીવાલનો ચહેરો અને પાંચ વર્ષના શાસનની સફળતાનો મુદ્દો હતો અને ભાજપ પાસે રાષ્ટ્રલક્ષી મુદ્દા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ હતું.
એક સમયે દિલ્હીમાં કોંગ્રેસનો દબદબો હતો અને શીલા દીક્ષિતે સળંગ ત્રણવાર મુખ્યપ્રધાનપદ સંભાળ્યું હતું. આજે દિલ્હીમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ અંતિમ કક્ષાએ છે. શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિત અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજય માકન સંપૂર્ણ નિષ્ક્રિય બની ગયા હતા. કહેવાય છે કે કોંગ્રેસનો વર્ષો જૂનો જનાધાર અંતે ‘આપ’તરફ વળ્યો હતો.