ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને વર્ષનો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી જાહેર કર્યો છે. તે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (એફઆઇએચ)ના વાર્ષિક એવોર્ડસમાં શ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડીનો એવોર્ડ જીતનારો ભારતનો સૌપ્રથમ ખેલાડી છે.મનપ્રીતના સુકાનીપદે ભારતીય હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થઈ હતી. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન ૧૯૯૯થી દર વર્ષે વિશ્વના શ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડીના નામની જાહેરાત કરે છે. જો કે આટલા વર્ષોમાં આ વખતે પહેલીવાર ભારતના ખેલાડીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે.
૨૦૧૯ના શ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડીની રેસમાં મનપ્રીતની સાથે બેલ્જીયમનો આર્થર વાન ડોરેન અને આર્જન્ટીનાનો લુકાસ વિલા પણ સ્પર્ધામાં હતા.
જ્યુરીના વોટને આધારે મનપ્રીત વિજેતા રહ્યાે હતો, તેને ૩૫.૨ ટકા વોટ, બેલ્જીયમના આર્થર વાડ ડોરેનને ૧૯.૭ ટકા તથા આર્જેન્ટીનાના લુકાસને ૧૧.૭ ટકા વોટ મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના વાર્ષિક એવોર્ડના વિજેતા નક્કી કરવા માટે જુદા-જુદા દેશોના રાષ્ટ્રીય ફેડરેશન્સની સાથે સાથે મીડિયાના સભ્યો, ચાહકો તેમજ ખેલાડીઓ વોટ કરે છે અને તેમની સરેરાશના આધારે વિજેતાની જાહેરાત કરાય છે.
ભારતના યુવા ખેલાડીઓએ પણ એફઆઇએચનો રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યરનો એવોર્ડ મેળવ્યો હતો. મહિલા ખેલાડી લાલરેમ્સિયામી અને પુરુષ ખેલાડી વિવેક પ્રસાદને વર્ષના શ્રેષ્ઠ યુવા ખેલાડી જાહેર કરાયા હતા. લાલરેમ્સિયામીએ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય હોકીમાં ડગ માંડયા હતા અને ૨૦૧૯માં હિરોશીમામાં હોકી સિરિઝ ફાઈનલમાં ટીમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો. વર્ષે નવેમ્બરમાં ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પણ તેના શાનદાર દેખાવને સહારે ભારતે અમેરિકાને હરાવી ટોકિયો ઓલિમ્પિક્સની ટિકિટ હાંસલ કરી હતી.
૧૯ વર્ષનો વિવેક પ્રસાદ ૨૦૧૯નો શ્રેષ્ઠ યુવા પુરુષ ખેલાડી જાહેર થયો હતો. ૨૦૧૯માં સુલતાન અઝલાન શાહ કપમાં રનર્સ અપ રહ્યા પછી ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો, પેનલ્ટી શૂટઆઉટમાં કોરિયા સામે ફાઈનલમાં ભારત હાર્યું હતુ. એ ટુર્નામેન્ટમાં વિવેકનો દેખાવ નોંધપાત્ર હતો, એફઆઇએચ સિરીઝ ફાઈનલ્સમાં અને એફઆઇએચ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પણ તેણે શાનદાર દેખાવ કર્યો હતો.