સ્પેનના કેનેરી આઇલેન્ડ્સમાં ટેનેરાઇફ ખાતે આવેલી એક હોટલની કોરોનાવાયરસનો પોઝીટીવ ટેસ્ટ ધરાવતા ડોક્ટરે મુલાકાત લીધી હોવાનુ બહાર આવતા 1000 જેટલા મહેમાનો સાથેની એચ 10 કોસ્ટા એડેજ પેલેસ હોટેલની તાળાબંધી કરી દેવામાં આવી છે. મહેમાનોને શરૂઆતમાં તેમના ઓરડામાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. ઇટાલીમાં કોરોનાવાયરસના કેસો ચાર દિવસમાં ત્રણથી વધીને 229 થઈ ગયા છે.
ઇટાલિયન ડૉક્ટર તેની પત્ની સાથે હોટલમાં રોકાયા હતા અને સોમવારે તેમનો ટેસ્ટ થયા બાદ યુનિવર્સિટી હોસ્પિટલ નુએસ્ટ્રા સીયોરા ડી કેન્ડેલેરિયામાં તેમને એકલતામાં મૂકવામાં આવ્યા છે. નોર્થ ઇટાલીથી પરત ફરતા બ્રિટીશ લોકોને જાતે જ સૌથી અલગ રહેવા જણાવાયુ છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતુ કે પીસાની ઉત્તર તરફથી આવેલા અને ફ્લુ જેવા લક્ષણોવાળા લોકોને 14 દિવસ ઘરે રહેવાનું કહેવામાં આવે છે. નોર્થ ઇટાલીમાં સ્કીઇંગ ટ્રીપ્સમાંથી પાછા ફર્યા બાદ ચેશાયરની બ્રિન લીસ સ્કૂલ, યોર્કશાયરની સેલેંડિન નૂક હાઇ સ્કૂલ, કોર્નવૉલમાં ન્યૂક્વે ટ્રેથેરસ અને પેનાર સ્કૂલ સહિતની કેટલીક શાળાઓએ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સલાહ આપી હતી.