ભારતમાં રેલવે વિભાગે રવિવારે એક અસાધારણ નિર્ણય કરતાં 22મી માર્ચને મધ્ય રાત્રીથી 31મી માર્ચ સુધી બધી જ પ્રવાસી ટ્રેનો અટકાવી દેવાની જાહેરાત કરી છે. આ સમયમાં માત્ર માલગાડીઓ જ ચાલશે.
કોરોનાથી પીડિત પ્રવાસીઓ વાઈરસનો પ્રસાર ન કરે તેવા હેતુથી આ નિર્ણય લેવાયો છે. રેલવેમાં શનિવારે ત્રણ એવા કિસ્સા નોંધાયા હતા, જેમાં ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહેવાયું હોય તેવા લોકો ટ્રેનોમાં પ્રવાસ કરી રહ્યાં હતા. આવા ત્રણ કિસ્સામાં કોવિડ-19નો પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા 12 લોકો ઝડપાયા હતા.
રેલવેએ શુક્રવારે તેની મોટાભાગની ટ્રેનો રદ કરીને સેવાઓનું પ્રમાણ ઘટાડી નાંખ્યું હતું. જોકે, તેણે પ્રવાસ ચાલુ હોય તેવી ટ્રેનોને પ્રવાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ભારતીય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, હવે 31મી માર્ચ સુધી કોઈપણ પ્રવાસી ટ્રેન ચાલશે નહીં.
રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, તંત્રને ટ્રેનોમાં કેટલાક કોરોનાગ્રસ્ત પ્રવાસીઓ મળી આવ્યા હતા, જેથી ટ્રેનનો પ્રવાસ જોખમી બની ગયો છે. અધિકારીઓએ લોકોને સલાહ આપી હતી કે વર્તમાન સમયમાં ટ્રેનના પ્રવાસમાં તમારો સાથી પ્રવાસી કોરોનાગ્રસ્ત હોઈ શકે છે. આથી ટ્રેનનો પ્રવાસ ટાળવો જોઈએ.
રેલવે મંત્રાલય દ્વારા પેસેન્જર ટ્રેનો બંધ કરવાનું બીજું એક કારણ શહેરોમાં કોરોના વાઇરસના ભયના પગલે લોકોનું ગામડાંઓ તરફ પલાયન પણ હોવાનું સૂત્રોનું કહેવું છે. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે શુક્રવારે મુંબઈ સહિતના ચાર શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.
પરિણામે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. રવિવારે સવારે મોટાભાગે પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં સેંકડો લોકો મહારાષ્ટ્રથી લખનઉ પહોંચ્યા હતા.જિલ્લા તંત્રે બધા પ્રવાસીઓને સ્ટેશન પર જ અટકાવ્યા હતા અને પરિવહન નિગમની બસો બોલાવીને લોકોને વિવિધ જિલ્લાઓ માટે રવાના કર્યા હતા.
જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશના ગામડાંઓમાં સ્વાસ્થ્ય સેવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલ કોરોના વાઈરસનું પ્રમાણ શહેરો પુરતું મર્યાદિત છે. આ વાઈરસ ગામડાંઓમાં ફેલાવાનું શરૂ થશે તો પરિસ્થિતિ વધુ ભયંકર બની જશે. આથી ગામડાંઓ તરફ લોકોનું પલાયન અટકાવવાનો પણ રેલવે વિભાગનો આશય હોવાનું સૂત્રોનું માનવું છે.
રેલવે દૈનિક 13,523 ટ્રેનો ચલાવે છે, જેમાં 5,881 ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ્સ (ઈએમયુ) અને 3,695 મેલ-એક્સપ્રેસ ટ્રેન તેમજ 3,947 પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવેએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 22મી માર્ચે વહેલી સવારે 4 વાગ્યા પહેલાં પ્રવાસ શરૂ કરી ચૂકેલી ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે ત્યાં સુધી ચાલુ રહેશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજોનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગૂડ્સ ટ્રેનો ચાલુ રખાશે. ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓ 21મી જુન સુધી રીફંડ ક્લેમ કરી શકશે. ટ્રેનો ઉપરાંત રેલવેએ બધા જ રેલવે મ્યુઝિયમ્સ, હેરીટેજ ગેલેરી અને હેરીટેચ પાર્ક 15મી એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યોછે.