સી.એમ. ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. રૂપાણીએ સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવારની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું. મુખ્યપ્રધાને સારવાર લઈ રહેલા સૌને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવારજનોએ પણ કવોરેન્ટન રહેવા સલાહ આપી હતી.
વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં આ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં અને આ કપરા સમયમાં જાન જોખમે પણ સેવા બજાવી રહેલા સૌ તબીબો ને તેમણે ઈશ્વરીય રૂપ ગણાવ્યા હતા. તેમણે જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓ સારવાર સગવડોની પણ વિગતો આ તબીબો પાસેથી મેળવી હતી.
આ સાથે મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક દર્દીઓનીની પારિવારિક વિગતો પણ જાણી હતી. મુખ્યપ્રધાનના આ કોમન મેન તરીકે ખબર અંતર પૂછવાના અભિગમથી સારવારગ્રસ્ત સૌ ભાવ વિભોર થયા હતા વિજય રૂપાણીએ સૌ અસરગ્રસ્તોની સારવારની સમગ્ર ચિંતા સરકાર અને સમાજ કરી રહ્યા છે તેની પણ વિગતો પોતાની વાતચીતમાં આપી હતી.