ચીનમાં શનિવારે એકાએક રસ્તા પર વાહનોના પૈડા થંભી ગયા હતા. વહેલી સવારે આર્મીના વિમાનોએ સાયરસ વગાડતા જ સમગ્ર દેશમાં ત્રણ મિનિટ સુધી મૌન પાળવામાં આવ્યું હતું. કોરોના વાયરસનો ભોગ બનનારા લોકો તેમજ તેની લડાઈ લડતા શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ચીનના રાષ્ટ્રપતિ સહિત દેશવાસીઓએ ત્રણ મિનિટનું મૌન પાળ્યું હતું. ચીનમાં કોરોના વાયરસ ફેલાવાની આગાહી કરનાર વ્હિસલબ્લોઅર ડો. લિ વેનલિઆંગ ઉપરાંત 3,300 જેટલા મૃતકોને મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
લોકોએ પોતાની છાતિ પર ફૂલ પ્રતિકરૂપે લગાવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય નેતાઓએ રાષ્ટ્રધ્વજ સામે ઉભા રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોરોના વાયરસ ચીન સહિત વિશ્વના ઈતિહાસમાં સૌથી વધુ ખતરનાક મહામારી પુરવાર થઈ છે.
પાટનગર બેઈજિંગમાં લોકો રસ્તાઓ પર ઉભા રહી ગયા હતા. ખાસ કરીને હુબેઈ અને કોરોના વાયરસના એપીસેન્ટર સમાન વુહાનમાં લોકોએ મૃતકો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શનિવારે દેશના તમામ સરકારી સ્થળો ઉપરાંત એમ્બેસીસ, વિદેશીમાં રહેલા કોન્સ્યુલેન્ટ્સમાં ચીનના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. દેશભરમાં તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.
શુક્વરે ચીનના હુબેઈમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો તેમજ ચાર લોકોના મોત થયા હતા. હજુ જનજીવન સામાન્ય થતા થોડો સમય લાગી શકે છે. કોરોના વાયરસ ફરી ઉથલો મારે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. વુહાનના 50,008 કેસ સહિત હુબેઈ પ્રાંતમાં કુલ 67,803 કેસો નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 3,322 લોકોના કોરોના વાયરસ સંક્રમણથી મોત થયા છે.
ચીનમાં ડો. લી વેનલિઆંગ ઉપરાંત 14 ફ્રન્ટલાઈન વર્કર્સ કોરોના સામેની લડાઈમાં શહીદ થયા હોવાનું જાહેર કરાયું હતું. પ્રથમ ગ્રૂપમાં 12 તબીબો, એક પોલીસ અધઇકારી તેમજ એક સામાજિક કાર્યકરનો સમાવેશ થાય છે. ચીન દ્વારા જણાવાયા મુજબ 3,000થી વધુ તબીબી ક્ષેત્રના લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે. ચીને શહીદોની યાદી જાહેર કરી છે તે મુજબ આઠ વ્યક્તિઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના હતા.
જેમાં એક 73 વર્ષીય સભ્ય સૌથી ઉંમરલાયક તો 30 વર્ષીય શખ્સ સૌથી નાની ઉંમરની વયે શહીદ થયા છે.34 વર્ષીય લિ ઓપ્થેલમોલોજિસ્ટ હતા અને તે ચીનમાં કોરોના વાયરસ કહેર વર્તાવશે તેવી આગાહી કરનાર આઠ વ્હિસલબ્લોઅર્સ પૈકીના એક હતા. 7 ફેબ્રુઆરીના લિનું કોરોના વાયરસથી મોત થયું હતું.