અમેરિકામાં તોકોના વાયરસના કારણે પરિસ્થિતિ બદ્થી બદ્તર થઈ ગઈ છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે એક દિવસની અંદર સૌથી વધારે 1480 લોકોના મોત નિપજ્યા છે. આ આંકડા ગુરૂવાર સાંજથી શુક્રવાર સાંજ (ભારતીય સમયાનુસાર) સુધીના છે. અમેરિકામાં એક દિવસમાં આ સંક્રમણથી મરનારા લોકોનો મૃત્યુઆંક અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં ત્યાં એક દિવસમાં મરનારા લોકોનો આંકડો 1169 હતો.

પ્રાપ્ય જાણકારી પ્રમાણે કોરોના વાયરસની લપેટમાં આવવાથી અમેરિકામાં અત્યાર સુધીમાં 7400થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં લગભગ પોણા ત્રણ લાખ લોકો આ વાયરસની અડફેટે ચડી ગયા છે. અમેરિકન સરકાર આ વાયરસથી બચવા માટેના તમામ પગલા ભરી રહી હોવાનો દાવો કરી રહી છે. પરંતુ જે રીતે અમેરિકા કોરોના વાયરસમાં ઘેરાઈ ચૂક્યું છે, તેમાં પરિસ્થિતિમાં હજી સુધી તો કોઈ જ સુધારો જોવા નથી મળી રહ્યો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના નાગરિકોને સલાહ આપી છે કે તેઓ બહાર નિકળતી વખતે માસ્ક પહેરે. નોંધનીય છે કે કેટલીક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા અત્યાર સુધીના આંકડાઓ અનુસાર કોરોના વાયરસના કારણે અમેરિકામાં સૌથી વધારે તાંડવ મચાવ્યો છે. ત્યારબાદ ઈટાલી બીજા નંબર પર આવે છે. ત્યાં 1,20,000 જેટલા લોકો આ વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. જોકે, અમેરિકા કરતા ઈટાલીમાં મૃત્યુઆંક બમણો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 14,681 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા આ વાયરસના કારણે ચીનમાં લગભગ 3200 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્પેનમાં લગભગ 11,000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જર્મનીમાં 1275, ફ્રાન્સમાં 6520, ઈરાનમાં 3294, બ્રિટનમાં 3605 અને સાઉથ કોરિયામાં 174 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 2545 લોકો આ વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 478 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 62 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે અને 157 લોકો આ બીમારીમાંથી સ્વસ્થય થવામાં સફળ રહ્યા છે.