વિશ્વમાં કોરોના વાઇરસના કારણે કુલ 64,231 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 11,92,715 લોકો આ વાઇરસથી સંક્રમિત છે. આ દરમિયાન 2,46,102 લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે. સ્પેનમાં 24 કલાકમાં સંક્રમણને કારણે 7000 નવા કેસ સામે આવ્યાં છે, 809 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. ફ્રાંસના 600 જેટલા સૈનિક પણ કોરોના પોઝિટિવ સામે આવ્યાં છે. બ્રિટનમાં શુક્રવારે અને શનિવાર સુધીમાં 708 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ મોતનો આંકડો 8 હજારને પાર પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગુરુવારે કહ્યું કે કોરોના સંક્રમણ પાછળ ચીનના માંસ બજારનો હાથ છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રને માંસ બજાર સામે કાર્યવાહી કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ચીનનું આ બજાર વિશ્વના અન્ય દેશો માટે ગંભીર જોખમ છે. માનવામાં આવે છે કે ગત વર્ષ ડિસેમ્બરમાં કોરોનાની શરૂઆત વુહાનના ગેરકાયદેસર પ્રાણીઓના બજારમાંથી થઈ હતી.
અમેરિકામાં દિવસેને દિવસે સ્થિતિ વિકટ બનતી જાય છે. અમેરિકામાં 24 કલાકમાં (ગુરુવારના 8.30 વાગ્યાથી શુક્રવારના 8.30 વાગ્યા સુધીમાં)1480 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 32 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 77 હજાર 467 કેસ નોંધાયા છે. 7402 લોકોએ જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
ન્યૂયોર્કમાં 24 કલાકમાં 562 લોકોના મોત થયા છે, અહીં કુલ મૃત્યુઆંક ત્રણ હજારથી વધારે પહોંચી ગયો છે. ઈટાલીની વાત કરીએ તો અહીં 1 લાખ 20 હજાર કેસ નોંધાયા છે. અહીં 14 હજાર 681 લોકો મોતને ભેટ્યા છે. સ્પેનમાં એક લાખ 24 હજાર 736 કેસ નોંધાયા છે. અહીં 11 હજાર 744 લોકોએ જીવ ગુમાવ્યો છે. નેધરલેન્ડની વાત કરીએ તો અહીં 15 હજાર 700 કેસ નોંધાયા છે અને 1487 લોકોના જીવ ગયા છે.