કતલખાને જવાની રાહ જોતાં ઘેટાની જેમ યોગ્ય રક્ષણ વગર પચાસ ડોકટરો મરણ પામશે

0
561

જેમ ઘેટાં કતલખાને જવાની રાહ જોતાં મોત માટે લાઇનમાં ઉભા રહે છે તેમ યોગ્ય પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (રક્ષણાત્મક ઉપકરણો) વગર કોરોનાવાયરસના દર્દીઓની સારવાર કરતા ફ્રન્ટલાઈન સ્ટાફ અને ડોક્ટરો પૈકી પચાસ ડોકટરો કોરોનાવાયરસના કારણે મરી જશે એવી ચેતવણી ડૉક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ ડો. રીનેશ પરમારે આપી છે. કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં નવ મેડિકલ પ્રોફેશનલ્સના મૃત્યુ થયા છે.

તેમણે દાવો કર્યો હતો કે મેડિક્સ કોરોનાવાયરસ સામેની લડાઇમાં પોતાના ખર્ચે  (પી.પી.ઈ.) ઉપકરણો ખરીદી રહ્યા છે. જો કે સામે પક્ષે ગવર્નમેન્ટ મેડિકલ ચિફ કહે છે કે એનએચએસ સ્ટાફ માટે પૂરતા પ્રમાણમાં પી.પી.ઇ. ઉપલબ્ધ છે.

ડો. રીનેશ પરમારે ધ સન સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે દર્દીને વેન્ટિલેટર પર મૂકવાની કાર્યવાહી કરતા ઇનટેન્સિવ કેરના ડોકટરો અને એનેસ્થેટીસ્ટ્સના માસ્ક પાંચ વર્ષ પહેલાં જ આઉટ ઑફ ડેટ થઇ ગયા હતા. ડૉ. પરમારે ચેતવણી આપી હતી કે જો તબીબી સ્ટાફ સજ્જ નહિ હોય તો યુકે ઇટાલીના પગલે ચાલશે, જ્યાં મેડિકલ ક્ષેત્રની 50થી વધુ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આવનારા દિવસોમાં પી.પી.ઇ. મળી રહે અને તમામ સ્ટાફના ટેસ્ટ થાય તે જરૂરી છે.

લંડનની ગ્રેટ ઓરમન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના 73 એનએચએસ સ્ટાફને વાયરસ હોવાનું નિદાન થયું છે અને 318 સેલ્ફ આઇસોલેશનમાં છે. કેન્ટના મારગેટની ક્યૂઇક્યુએમ હોસ્પિટલની 39 વર્ષીય નર્સ એમી ઓ’રુરકેનુ ગત ગુરૂવારે, ક્વિન્સ હોસ્પિટલ બર્ટનના ઇએનટી સ્પેશ્યાલીસ્ટ ડૉ. અમજેદ અલ-હાવરાણી (ઉ.વ. 55) 29 માર્ચે અને લંડનમાં દર્દીની સારવાર કરતી વખતે લંડનની ગુડમૈઝ હોસ્પિટલના 57 વર્ષીય નર્સ થોમસ હાર્વેનુ અને વેસ્ટ મિડલેન્ડ્સની વૉલ્સોલ મનોર હોસ્પિટલમાં ગુરૂવારે 36 વર્ષની અરીમા નસરીનનુ અને 63 વર્ષીય ડૉ. આદિલ અલ ટયારનું 28 માર્ચે હેરફોર્ડ કાઉન્ટી હોસ્પિટલમાં કોરોનાવાયરસના કારણે મોત નીપજ્યું હતુ.