કોરોના વાયરસ જેવી મહામારીને હરાવવા માટે તેની સાંકળને તોડવી જરૂરી છે જેથી તે ફેલાતો અટકે. અને આ સાંકળને તોડવા માટેનો એક જ ઉપાય છે કે લોકો પોત-પોતાના ઘરમાં રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. કોંગ્રેસ નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સોમવારના રોજ આ અંગે ટ્વિટર દ્વારા એકતાનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધની જંગને આપણે બધા એક સાથે મળીને જીતી શકીએ છીએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, કોરોના વાયરસનું સંકટ આપણા માટે એક અવસર છે કે આપણે બધા ધર્મ અને જાતીનું અંતર ભૂલીને એક જ લક્ષ્ય માટે એક સાથે આવીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખતરનાક અને જીવલેણ વાયરસને હરાવવા માટે દેશના તમામ નાગરિકોએ દયા-કરુણા, સહાનુભૂતિ અને આત્મ બલિદાનને મહત્વ આપવું પડશે.

નોંધનીય છે કે દેશમાં અલગ-અલગ ધર્મ અને જાતીના લોકો લોકડાઉન તેમજ કોરના વાયરસના મામલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ દેશના તમામ ધર્મોના ધર્મગુરૂઓ સાથે આ અંગે વાત કરી હતી અન તેમને અપીલ કરી હતી કે તેઓ પોતાના સમાજના લોકો અને અનુયાયીઓને લોકડાઉનનું પાલન કરવા માટે સમજાવે, કારણકે કોરોનારૂપી સંકટને અટકાવવા માટે આ એક જ રામબાણ ઈલાજ છે.