કોરોના વાઈરસ સમગ્ર વિશ્વના 190 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે ત્યારે રવિવારે વિશ્વમાં કોરોનાથી 67856લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ કેસની સંખ્યા 1244000ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ 15887નાં મોત ઈટાલીમાં થયા છે. ત્યાર બાદ સ્પેનમાં 12418અને અમેરિકામાં 9154લોકોનાં મોત થયા છે.
જોકે, ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં મોતની સંખ્યા અને નવા કેસોની સંખ્યામાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. ઈટાલીમાં રવિવારે 4316નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં 7560 અને બ્રિટનમાં 4934 લોકોનાં મોત નીપજ્યાં છે. ઈટાલીની જેમ સ્પેનમાં પણ સતત ત્રીજા દિવસે મોતની સંખ્યા ઘટી છે. રવિવારે સ્પેનમાં ૬૭૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
અમેરિકામાં કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્ક રાજ્યમાં દૈનિક કોવિડ-19થી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ન્યૂયોર્કમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે 630 લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેમ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જણાવ્યું હતું.
ન્યૂયોર્ક રાજ્યમાં બીજી અને ૩જી એપ્રિલ વચ્ચે એક જ દિવસમાં ૫૬૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં દર અઢી મિનિટમાં વાઈરલ ઈન્ફેક્શનથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 630નાં મોત સાથે ન્યૂયોર્કમાં કુલ મૃત્યુઆંક 3656 થયો છે તેમ કુઓમોએ જણાવ્યું હતું. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાના કુલ 113704 કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક પછી અમેરિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત બીજું રાજ્ય ન્યૂજર્સી છે, જ્યાં કોવિડ-૧૯ના ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.
ન્યૂયોર્કમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે અમેરિકાના આ રાજ્યે ચીનમાંથી જીવન બચાવતાં ઉપકરણો મેળળ્યા છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જણાવ્યું હતું કે ન્યૂયોર્કે ફેડરલ સરકારમાંથી 17000 વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો હતો. ચીને અમેરિકામાં 1000 વેન્ટીલેટર્સ મોકલ્યા છે જ્યારે ઓરેગન 140 વેન્ટિલેટર્સ ન્યૂયોર્ક મોકલશે.
દરમિયાન જનરલ સર્જન જેરોમ એડમ્સે રવિવારે અમેરિકનોને ગંભીર ચેતવણી આપી છે. તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે ગંભીર સ્થિતિ હજુ આવવાની છે. આગામી સપ્તાહ અમેરિકા માટે ખૂબ જ જોખમી રહેશે. અમેરિકનોના જીવનમાં આગામી સપ્તાહ સૌથી કમનસીબ રહેવાની આશંકા છે. કોરોના વાઈરસ લોકલાઈઝ બનશે ત્યારે આગામી સપ્તાહ આપણા માટે પર્લ હાર્બર, 9/11 સમાન બની રહેશે. આ સપ્તાહમાં હજારો લોકોના મોત થઈ શકે છે.