આજે બ્રિટન માટે કાળો દિવસ ઉગ્યો હતો. કોરોનાવાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 936 વ્યક્તિઓના મરણ થયા હતા જ્યારે મોતને ભેટેલા કુલ કમનસીબ મૃતકોની સંખ્યા 7,095 થઇ છે. આજે મોતને ભેટેલા લોકોનો આંક અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ છે અને ગઇકાલ કરતા આજે 19 ટકા વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. સ્થિતી એટલી ભયાનક છે કે કોરોનાવાયરસના કારણે દર બે મિનિટે એક બ્રિટીશરનું મરણ થાય છે. યુકેમાં વાયરસ ધરાવતા લોકોની કુલ સંખ્યા 55,૦૦૦ થઇ હતી. બર્મિંગહામ યુકેના સંકટનું કેન્દ્ર છે.
લોકડાઉનના આવતા અઠવાડિયે પૂરા થઇ રહ્યા છે ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા તેના વિષે ફેરલિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવનાર હતો પરંતુ જે રીતે મોતની સંખ્યા ત્રણનો આંક વટાવવાની તૈયારી કરી રહી છે તે જોતાં લોકડાઉનને હળવુ કરવામાં આવે તેમ લાગતુ નથી. લોકડાઉન ઉઠાવવાનો કે ઘરે રહેવાના આદેશમાં છૂટ આપવામાં આવે તેવા કોઇ તેવા કોઈ સંકેતો નથી. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યુ હતુ કે યુકેમાં તકલીફોનો અંત આવે તેમ લાગતુ નથી.
એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં 22 થી 103 વર્ષની વયના કુલ 828 લોકોના મોત થયા હતા. સ્કોટલેન્ડમાં 77 લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 24 કલાકમાં વધુ 336 લોકોને ચેપ હોવાનું નિદાન થયું હતું. પબ્લિક હેલ્થ વેલ્સે 33 લોકોના મૃત્યુની ઘોષણા કરી હતી અને 284 લોકોને કોરોનાવાયરસ થયો હોવાનુ જણાવ્યુ હતુ. નોર્ધર્ન આયર્લેન્ડમાં વધુ પાંચ મોત નોંધાયા છે.
યુરોપ માટેના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ડૉ. હંસ ક્લુગેએ જણાવ્યુ હતુ કે લોકડાઉનના નિયમોને જલ્દીથી હળવા કરવાનો પ્રયાસ કરવો કે તેને સરળ બનાવવા ખૂબ જ ‘ખતરનાક’ હશે. ચાઇનીઝ શહેર વુહાન, જ્યાં રોગચાળો શરૂ થયો હતો તેમાં જાન્યુઆરીમાં લોકડાઉન લાગુ કર્યાના 73 દિવસ પછી ફરીથી તેના નાગરિકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
એવા ભય છે કે કર્મચારીઓ માટે સરકારના બેલઆઉટનો ખર્ચ ત્રણ મહિનામાં £40 બિલીયન પાઉન્ડ સુધી થઈ શકે છે. એચએમ રેવન્યુ અને કસ્ટમ્સે ફર્લો થયેલા કર્મચારીઓને વિનંતી કરી હતી કે તેઓ એવી કંપનીઓ વિષે માહિતી આપે જે તેમને કામ કરવા દબાણ કરે છે. ફર્લો યોજનાના દુરૂપયોગ બદલ કોઈ પણ કંપનીએ ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ચાઇના સેન્ટ્રીક’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર નારાજગી વ્યક્ત કરી સૂચન કર્યું હતું કે યુ.એસ. તેનુ ભંડોળ અટકાવી શકે છે. બીજી તરફ બ્રિટન વેન્ટિલેટર માટે રાહ જોઇ રહ્યુ છે અને વધુ 200 વેન્ટીલેટરની જરૂર છે.
આજે વધુ બે એનએચએસ નર્સો ન્યૂકેસલની 29 વર્ષીય રેબેકા મેક અને 70 વર્ષીય એલિસ કિટ ટાક ઓંગના મૃત્યુની ઘોષણા કરવામાં આવી હતી. કિંગ્સ કોલેજ લંડન દ્વારા સંચાલિત એક સીમ્પટમ્સ-ટ્રેકિંગ એપ્લિકેશન સૂચવે છે કે માર્ચના અંતમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી કોરોનાવાયરસ લક્ષણોવાળા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.