વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસની ઇન્ટેન્સીવ કેર યુનિટની ટ્રીટમેન્ટ બાદ સારવારનો સારો પ્રતિભાવ આપી રહ્યા છે અને હવે તેઓ ‘પથારીમાં બેઠાં’ ડોકટરો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમનો તાવ આખરે નીચે આવી ગયો છે પણ તેમને હજૂ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં જ સારવાર હેઠળ રાખવામાં આવશે.

બોરિસ જ્હોન્સનની હાલત અંગે ચાન્સેલર ઋષિ સુનકે આજે બપોરે દૈનિક ન્યૂઝ કૉન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યુ હતુ કે ‘હોસ્પિટલના છેલ્લા સમાચાર એ છે કે વડા પ્રધાનને ઇન્ટેન્સીવ કેર યુનિટની સારવાર આપવાનુ ચાલુ રાખવામાં આવશે  જ્યાં તેમની સ્થિતિ સુધરી રહી છે.’’

નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ‘’વડા પ્રધાન કોઈ કામ કરી રહ્યા નથી પણ તેઓ અધિકારીઓના સંપર્કમાં છે. તેમને ઓક્સિજન ટ્રીટમેન્ટ આપવાનુ ચાલુ છે અને હાલમાં કોઈ પણ સહાયતા વગર તેઓ શ્વાસ લઇ શકે છે અને તેઓ વેન્ટિલેટર પર નથી.’’

એવી આશંકા છે કે તેઓ કોરોનાવાયરસ સામે લડીને સાજા થશે તો પણ અઠવાડિયાઓ સુધી તેમણે સરકારી કાર્યવાહી અને ભાગદોડથી દૂર રહેવુ પડશે. તેમણે નિષ્ણાતોની ચેતવણી સાથે તબક્કાવાર કામ કરવુ પડશે. વડા પ્રધાન આઇસોલેટ થયા બાદ ક્યારેય તેમની શારીરિક તપાસ કરવામાં આવી ન હતી અને માત્ર વીડિયો કોન્ફરન્સ દ્વારા જ ડૉક્ટરની સલાહ લીધી હતી તે સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કોરોનાવાયરસની કટોકટી વિકસિત થતાં ડાઉનિંગ સ્ટ્રીટમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. ગંદા રૂમ્સમાં મીટિંગ્સ થતી હતી અને લોકો ઉધરસ ખાતા હતા. રોગચાળાના નિષ્ણાત નીલ ફર્ગ્યુસન ચેપગ્રસ્ત પ્રથમ મુલાકાતી હતા. તાજેતરની કટોકટીના કારણે રક્ષણનો અભાવ હોવાનુ જાહેર થતા ટોરી સાંસદોએ વડાપ્રધાનની તબીબી વ્યવસ્થાઓની સમીક્ષા કરવાની હાકલ કરી છે.

અમેરીકામાં રાષ્ટ્રપતિને સમર્પિત આગવી તબીબી ટીમ હોય છે અને ઇમરજન્સી સુવિધાઓ સતત સ્ટેન્ડબાય પર હોય છે. પણ યુકેના નેતા પાસે આવુ કશુ છે નહિ તે બહાર આવ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે બ્રિટનમાં કોવિડ-19 રોગચાળો ઓછામાં ઓછા 10 દિવસ પછી તેની ટોચ પર પહોંચશે તેમ જણાય છે.