વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીને કારણે મોટાભાગના લોકો લોકડાઉનમાં રહે છે. આ સ્થિતિમાં સંગીતકારો પણ અવનવી પ્રવૃત્તિ કરે છે. સાઉથ આફ્રિકામાં ભારતીય સંગીતકારોના એક ગ્રુપે તેમનું કૌશલ્ય ઓનલાઇન રજૂ કર્યું છે. ‘SA Musicians against COVID-19’ પ્રોજેક્ટ હેઠળ કલાકારોને ભારતીય ગીત-સંગીત અને ક્યારેક નૃત્યમાં પણ તેમની કળાનું પ્રદર્શન કરવા માટે મદદ કરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટની શરૂઆત જોહાનિસ્બર્ગના રહેવાસી લેક્સી શાનમુગમ, ચિત્રા પેરુમલ, ક્રીસેન મૂડલી અને ગુરુ પૂવન પિલ્લાઈ દ્વારા કરવામાં આવી હતી. આ ગાયકો-સંગીતકારો લોકડાઉનમાં લોકોને વીકેન્ડમાં ફેસબુક દ્વારા થોડો સમય મનોરંજન પૂરું પાડે છે. તેમની આ શરૂઆત વૈશ્વિક સ્તરે જાણીતી બની ગઇ છે. આ ગ્રુપના સભ્યો કહે છે કે, દરરોજ જુદા જુદા કલાકારો તરફથી ફેસબુક પેજ પર સ્લોટ મેળવવા માટે માગણી થઇ રહી છે.
સાઉથ આફ્રિકામાં આ જાણીતા કલાકારો ધાર્મિક અથવા સાંસ્કૃતિ ગીત-સંગીત રજૂ કરે છે. શાનમુગમ કહે છે કે, અમારો હેતુ ઘરમાં કૌશલ્ય પ્રદર્શિત કરવાનો છે. આ ઉપરાંત સ્થાનિક ટીચર્સ પાસેથી કળા શિખી રહેલા બાળકોને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય છે.
અમે નાના સ્તરે શરૂ કરેલા એક નમ્ર પ્રયાસને હવે એક અનોખ સ્વરૂપ મળ્યું છે. ‘કોન્સર્ટ ફ્રોમ હોમ’ ઇવેન્ટ દ્વારા વિશ્વભરમાંથી હજ્જારો લોકો સંગીત સાથે જોડાયા છે. આ ઉપરાંત આ ફેસબુક પેજ પર દેશના જુદા જુદા મંદિરના પૂજારીઓની પ્રાર્થના પણ રજૂ કરવામાં આવી હતી. ભારતીય ફિલ્મોના ગીતો અને અન્ય હળવા સંગીતની પણ ખૂબ જ માંગ થઇ રહી છે.