ગુજરાતમાં રોજ ડબલ ડીઝીટના મોતને આંકડાથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃત્યુના ૨૨ ટકા મોત તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ,ઉંચો મૃત્યુદર હજુય રોકાઇ શક્યો નથી. આજે વધુ ૨૪ દર્દીઓ મોતને ભેટયાં હતાં પરિણામે ગુજરાતનો મૃત્યુઆંક ૭૭૩ થયો છે. આ ઉપરાંત આખા રાજ્યમાં નવા ૩૭૧ કેસો નોંધાયા હતાં જેથી રાજ્યાના કુલ કેસોનો આંકડો ૧૨૯૧૦ થયો છે.
ગુજરાતમાં લોકડાઇન પાર્ટ-૪માં કન્ટેન્ટેમેન્ટ ઝોનને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં રાજ્ય સરકારે રાહત આપી છે.છૂટછાટને પગલે રાજ્યમાં જનજીવન તો ધબકતું થયુ છે પણ સાથે સાથે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.અમદાવાદમાં કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૩૩ કેસો નોંધાયા હતાં.છેલ્લાં બે દિવસની સરખામણીમાં શહેરમાં કેસોમાં ઘટાડો નોંધાયો છે.કેસોમાં આંશિક ઘટાડાને પગલે લોકોમાં ચિતા જરુર હળવી થઇ છે.જોકે,લોકડાઉનની છૂટછાટને કારણે શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં ય કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે.
સુરતમાં ૩૪,વડોદરામાં ૨૪,મહેસાણામાં ૧૩,બનાસકાંઠામાં ૧૧,મહિસાગરમાં ૯,અરવલ્લીમાં ૭, કચ્છમાં ૪, જામનગરમાં ૩, સાબરકાંઠામાં ૩, દાહોદમાં ૩,નવસારીમાં ૩,સુરેન્દ્રનગરમાં ૩,નર્મદામાં ૨,જૂનાગઢમાં ૨,પંચમહાલમાં ૧,ખેડામાં ૧ અને પાટણમાં ૧ કેસો નોંધાયા હતાં. એક જ દિવસમાં ૨૧ જિલ્લામાં કોરોનાના કેસો નોધાયા હતાં જેથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણનો અંદાજ આવી શકે છે.વધતાં કેસોને કારણે રાજ્ય સરકારે લોકોને સતર્કતા દાખવવા અપીલ કરી છે.
કોરોનાથી મૃત્યુનો સિલસીલો યથાવત રહ્યો છે.આજે પણ કોરોનાએ વધુ ૨૪ દર્દીઓનો ભોગ લીધો હતો.અત્યાર સુધી કોરોનાની મહામારી ૭૭૩ લોકોનો ભોગ લઇ ચૂકી છે.અમદાવાદમાં આજે પણ ૧૭ દર્દીઓએ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો જેમાં ૧૪ પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે.હજુય ઉંચા મૃત્યુદરને રોકી શકાયો નથી.
વડોદરામાં ય ૩ દર્દીઓના મોત થયાં હતાં. આ પ્રમાણે,સુરતમાં ૧,આણંદમાં ૧,ખેડામાં ૧ અને મહેસાણામાં ૧ દર્દીનુ મોત નિપજ્યુ હતું. હવે શહેરોમાં જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથુ ઉચક્યુ છે.ચિંતાની વાત તો એછેકે,કોઇ બિમારી ન હોય તેવા લોકો માટે પણ કોરોના ઘાતક સાબિત થઇ રહ્યો છે.જોકે,કોરોના ઉપરાંત હાઇરિસ્ક બિમારી ધરાવતાં દર્દી માટે કોરોના વધુ જોખમી છે.
આ જોતાં રાજ્ય આરોગ્ય વિભાગે ૬૦ વર્ષથી વધુ વયના લોકો,હૃદયરોગ,ડાયાબિટીસ સહિત બિમારી ધરાવતાં લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની નવી ગાઇડલાઇનને પગલે ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો રેટ વધ્યો છે.આજે પણ વધુ ૨૬૯ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.અમદાવાદમાં ૨૦૦ લોકો સ્વસ્થ થયા હતાં.
ગુજરાતમાં સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને નર્મદામાં દર્દીઓને રજા આપવામાં આવી હતી. કેસોની સંખ્યાને જોતાં અત્યારે ૪.૯૬ લાખ લોકોને કવોરન્ટાઇન કરાયાં છે.જોકે,આરોગ્ય વિભાગે રોજેરોજ કરાતાં ટેસ્ટ અને કોરોનાના દર્દીની યાદી આપવાનુ ંબંધ કરી દેવાયુ છે જેના કારણે અનેક સવાલો ઉઠયાં છે.અત્યારે કુલ ટેસ્ટની સંખ્યા ૧,૬૬,૧૫૨ થઇ છે. ગુજરાતમાં અત્યારે કુલ મળીને ૬૬૪૯ એક્ટિવ કેસ છે.૫૪૮૮ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયાં છે.જોકે,રાજ્યમાં રોજ ૨૦થી વધુ લોકોના મોત થતાં લોકોમાં ચિંતા જન્મી છે.