મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન પછી શનિવારે તેમનાં પત્ની સુનેત્રા પવારની નાયબ મુખ્ય પ્રધાનપદે નિયુક્તિ કરવામાં આવી હતી. મુંબઈના રાજભવનમાં કાર્યકારી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવાયા હતા. તેઓ રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન છે.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ છે અને નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લેતાં પહેલાં તેમણે પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને સોંપ્યું હતું. હવે સુનેત્રા પવારની જગ્યાએ અજિત પવારના દીકરા પાર્થ પવાર રાજ્યસભામાં મોકલાશે તેવું માનવામાં આવે છે.
આજે મુંબઇના વિધાનભવનમાં યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં સુનીલ તટકરેએ અજિત પવાર માટે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ દિલીપ વળસે પાટીલે પક્ષના પ્રમુખ તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને છગન ભુજબળ અને અન્ય વિધાનસભ્યોએ સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના બે નિર્ણયોમાં પ્રથમ તેમને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવા અને બીજો તેમને પાર્ટીના તમામ નિર્ણયો લેવાની બંધારણીય સત્તા આપવાનો સમાવેશ થાય છે.
એનસીપી (શરદ પવાર જૂથ)ના શરદ પવારે સવારે મીડિયાને જણાવ્યું કે તેમને આ શપથ ગ્રહણ સમારોહની કોઈ માહિતી નહોતી અને તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. શરદ પવારે દાવો કર્યો છે કે બંને રાષ્ટ્રવાદી પક્ષો (NCP) 12 તારીખે એક સાથે આવી શકે છે.

LEAVE A REPLY