છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના એક જ દિવસમાં દુનિયામાં સૌથી વધારે 1,83,000 કેસ નોંધાયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. બ્રાઝિલમાં સૌથી વધારે 54,771 કેસ, અમેરિકામાં 36,617 કેસ અને ભારતમાં 15,400 કેસ નોંધાયા હતા. રશિયામાં પણ 7600 નવા કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દરરોજ 4,743 જણાના મોત થવા સાથે મૃત્યુનો કુલ આંક 4,61,715 થયો છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 95 જણાના મૃત્યુ થયા હતા.
સ્પેનમાં તેના રહેવાસીઓને ફાવે ત્યાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે.બ્રિટનથી આવતાં પ્રવાસીઓને હવે 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂરિયાત નથી તથા યુરોપના 26 દેશના નાગરિકો હવે સ્પેનમાં વિસા ફ્રી પ્રવાસ કરી શકશે. પરંતુ જર્મનીમાં એક મીટ પેકિંગ પ્લાન્ટમાં એક હજાર કેસ નોંધાતા પ્રાદેશિક સરકારે તમામ 6500 કામદારો, તેમના પરિવારજનો અને મેનેજર્સને ક્વોરન્ટાઇનમાં મોકલી આપ્યા હતા.
દરમ્યાન અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં માત્ર 35 ટકા દર્દીઓએ જ સહકાર આપતાં તેમની પહેલી જુનથી શરૂ કરવમાં આવેલી વાઇરસ ટ્રેસિંગ યોજના ઘોંચમાં પડી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. ટેસ્ટ એન્ડ ટ્રેસ કોર્પના વડા ડો. ટેડ લોંગે જણાવ્યું હતું કે 69 ટકા લોકોએ ઇન્ટરવ્યુ આપીને કોન્ટેક્ટ આપ્યા હતા. અમારા મતે આ સારી શરૂઆત છે અને હવે સંખ્યા વધશે તેવી અમને આશા છે. એક કે બે અઠવાડિયામાં ટ્રેસર ફોન પર નિર્ભર રહેવાને બદલે ઘેર ઘેર જઇને કોરોનાના સંભવિત દર્દીઓને સાવચેત કરશે.
સોમવારે ન્યુ યોર્કમાં રિઓપનિંગનો બીજો તબક્કો શરૂ થશે જેમાં લોકોને બહાર ડાઇનિંગ કરવાની તથા રેસ્ટોરાંમાં જવાની છૂટ આપવામાં આવી છે. મેયર બેલાસિઓએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં ત્રણ લાખ લોકો તેમની નોકરીઓ પર પાછાં ફરશે. દરમ્યાન ઇરાકના પાટનગર બગદાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થતાં જાહેર મેદાનમાં 500 બેડની કામચલાઉ હોસ્પિટલ બનાવવામાં આવી છે. મે મહિનાના અંતે ચાર હજાર કરતાં પણ ઓછા કેસ હતા.
પણ રમઝાનમાં લોકોએ પરિવાર અને મિત્રો સાથે રોજા તોડતાં ચેપ મોટા પાયે પ્રસરતાં કોરોનાના દર્દીઓની સંખ્યા સા ગણી વધીને 30,868 થઇ ગઇ છે. દરમ્યાન 1986ના ફૂટબોલ વિશ્વ કપમાં ઇરાકનો એકમાત્ર ગોલ ફટકારનાર ફૂટબોલર 56 વર્ષના અહમદ રાધીનું કોરોનાનો ચેપ લાગવાને પગલે મોત થયું હતું.
કરબલામાં એક હોસ્પિટલના મેનેજરે હોસ્પિટલ દર્દીઓથી ભરાઇ જવાને પગલે લક્ષણો હોય તો પણ કોરોનાના ટેસ્ટ જ કરવાનું બંધ કરી દીધું હતું. હવે લોકોને એડમિટ કરવા માટે બેડ જ નથી તો ટેસ્ટ કરીને શું કરવાનું તેમ તેમણે જણાવ્યું હતું. બસરા, બગદાદ અને કરબલામાં ડોક્ટરો માટે રક્ષણાત્મક ઉપકરણો ન હોઇ તે તેમના પૈસે ખરીદવાની ફરજ પડી છે.
બગદાદની એક હોસ્પિટલમાં ફરજ બજાવતાં એક ડોકટરે જણાવ્યું હતું કે સરકારે બજેટ મંજૂર કર્યું ન હોઇ નાણાંની ટંચાઇ છે. ઓઇલના ભાવ ગગડી જતાં સરકારની હાલત પણ નાણાં વિના કફોડી બની ગઇ છે. સરકાર મહિનાના ધોરણે ખર્ચ ફાળવે છે. સરકારે બજેટ મંજૂર ન થાય ત્યાં સુધી તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા ડોક્ટરોને સેવા આપવાની અપીલ કરી છે.