ચીનની સેનાએ ગલવાનમાંથી તેના કેટલાક સૈનિકો તેમજ વાહનોને ફોરવર્ડ પોસ્ટ પરથી પરત ખેંચી લીધા હોવાની પુષ્ટિ થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ સરહદે તણાવ ઘટાડવા માટે 22 જૂને કોર કમાંડર સ્તરની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચીનની સેનાએ એલએસી પર આગળની ચોકીઓ પર તૈનાત પોતાના જવાનોને પરત ખેંચવા માટે આશ્વાસન આપ્યું હતું. ચીને પોતાના સૈનિકોને એક કિલોમીટર જેટલા પરત બોલાવ્યા હોવાનું જણાયું છે. ચીને કેટલાક વાહનો પણ પરત લઈ લીધા હોવાની માહિતી મળી છે.
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે લાંબા સમયથી તંગદીલી વ્યાપેલી હતી. 15 જૂનની રાત્રે હિંસક અથડામણ થતા ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો પણ હતાહત થયા હતા પરંતુ ચીને તેનો સત્તાવાર સ્વિકાર કર્યો નહતો. 22 જૂને મળેલી કોર કમાંડર બેઠકમાં ભારત અને ચીન ઘર્ષણ ઘટાડવા તેમજ ચીને સૈનિકોને પરત ખેંચવા સહમત થયા હતા.
ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ની સેટેલાઈટ તસવીરો પરથી ચીને સૈનિકો અને તેના વાહનો પરત ખસેડ્યા હોવાની પુષ્ટિ થઈ છે. ચીન આ વાતનો સત્તાવાર એકરાર કરવાનો ઈનકાર કરી રહ્યું છે પરંતુ સેટેલાઈટ તસવીરો દ્વારા આ સમગ્ર બાબત ઉજાગર થઈ છે.
સેટેલાઈટ તસવીરોમાં બે મર્સિડીઝ કાર પણ જોવા મળી હતી જેને પગલે ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણ બાદ લશ્કરના ટોચના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી. સ્થળ પર કેટલીક એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી. ઘાયલ સૈનિકોને સ્થળ ઉપર જ સારવાર માટે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હોવાનું અનુમાન છે.