Getty Images)

અમેરિકાના અનેક રાજ્યોમાં ફરી કોરોનાવાઈરસના ચેપના કેસીઝની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં દેશના સાઉથ અને વેસ્ટના રાજ્યોમાં વહિવટી અધિકારીઓ ફરીથી નિયંત્રણના કડક પગલાંની જાહેરાત કરી રહ્યા છે, જેમાં લોકોને ઘેર જ રહેવાની સલાહથી લઈને ન્યૂ યોર્ક જેવા વિસ્તારોમાં રક્ષણ માટે ક્વોરેન્ટાઈન્સનો સમાવેશ થાય છે.

અમેરિકામાં કોવિડ-19ના કારણે પહેલા દર્દીનું મૃત્યુ થયાના લગભગ ચાર મહિના પછી, હવે ચેપના નવા મોજામાં દેશના યુવા વયના નાગરિકો ભોગ બની રહ્યા છે તેમજ નિષ્ણાતો રોગચાળો વધુ વકરવાની આકરી ચેતવણીઓ આપી રહ્યા છે.

ટેક્સાસના ગવર્નરે બિઝનેસીઝ, ડાઈનિંગ, પબ્લિક ગેધરિંગ્સ તથા ટુરિઝમ ઉપરના નિયંત્રણો હળવા કર્યા પછી હવે લોકોને ફરી ઘેર રહેવા, બહાર નહીં નિકળવા અનુરોધ કરી રહ્યા છે. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી તથા કનેક્ટીકટના વહિવટીતંત્રે પણ અન્ય અમેરિકી રાજ્યો – હોટસ્પોટ વિસ્તારોમાંથી આવતા લોકોને સ્વયં ક્વોરેન્ટાઈનમાં રહેવા અનુરોધ કર્યો છે. ન્યૂ યોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુઓમોના જણાવ્યા મુજબ આ અનુરોધ-સલાહ અલાબામા, આર્કાન્સાસ, એરિઝોના, ફ્લોરિડા, સાઉથ કેરોલાઈના, નોર્થ કેરોલાઈના, વોશિંગ્ટન, ઉટાહ તથા ટેક્સાસથી આવતા મુલાકાતીઓને લાગું પડે છે.

વ્હાઈટ હાઉસના એડવાઈઝર અને ટોચના આરોગ્ય નિષ્ણાત, વૈજ્ઞાનિક એન્થોની ફૌસીના કહેવા મુજબ ગીચ વસ્તી ધરાવતા ફ્લોરિડા અને ટેક્સાસમાં ચેપના નવા કેસીઝની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા કેલિફોર્નિયામાં ચેપની વૃદ્ધિ કાબુમાં લેવા માટે આગામી બે વીક ખૂબજ મહત્ત્વના રહેશે. કેલિફોર્નિયા તથા વોશિંગ્ટનમાં લોકો માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે, તો માયામીએ પણ માસ્ક અંગેના નિયમો અમલી બનાવ્યા છે.

ટેક્સાસમાં ચિંતિત ગવર્નરે કહ્યું હતું કે ચેપમાં આ જ રીતે વધારો થતો રહેશે તો નિયંત્રણોના વધુ પગલાં લેવાની ફરજ પડશે.