આફ્રિકન દેશ કેન્યાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, દેશમાં ચાલુ શૈક્ષણિક વર્ષ તમામ વિદ્યાર્થીઓ માટે રદ થયેલું ગણાશે, હવે પ્રાથમિક તેમજ માધ્યમિક સ્કૂલ્સના વિદ્યાર્થીઓ 2021માં જ ફરી સ્કૂલ્સમાં જઈ શકશે. પૂર્વ આફ્રિકાના આ દેશમાં શૈક્ષણિક વર્ષ જાન્યુઆરીથી શરૂ થાય છે અને નવેમ્બરમાં પુરૂં થાય છે.
કેન્યાના શિક્ષણ પ્રધાન જ્યોર્જ મગોહાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ-19નો રોગચાળો ડીસેમ્બર મહિના સુધીમાં જ કાબુમાં આવે તેવું લાગે છે. દેશમાં 15 માર્ચથી સ્કૂલ્સ બંધ કરાયેલી છે. આ સંજોગોમાં હવે પ્રાથમિક કે માધ્યમિક સ્કૂલ્સમાં કોઈ પરીક્ષાઓ લેવાશે નહીં અને 2020નું શૈક્ષણિક વર્ષ કોવિડ-19ના નિયંત્રણોના પગલે ગુમાવેલું ગણાશે.
દરમિયાન, પ્રેસિડેન્ટ ઉહુરૂ કેન્યાટાએ દેશમાં કોરોનાવાઈરસના પગલે લદાયેલા નિયંત્રણો તબક્કાવાર હટાવવાની જાહેરાત સોમવારે (6 જુલાઈ) કરી હતી. ઈન્ટરનેશનલ ફલાઈટ્સ 1લી ઓગસ્ટથી શરૂ થશે, તો દેશમાં આંતરિક અવરજવર ઉપરના નિયંત્રણો પણ ચાર મહિના પછી હળવા કરાયા છે. જો કે રાત્રીના 9 થી સવારે 4 સુધીનો કર્ફ્યુ અમલમાં રહેશે.
અનિશ્ચિતતાના વાતાવરણના કારણે તમામ હિતધારકોએ નિર્ણય લીધો હતો કે પાયાના શિક્ષણની સંસ્થાઓ જાન્યુઆરી, 2021માં શરૂ કરવી, એમ મગોહાએ જણાવ્યું હતું. આ નિર્ણય તમામ સ્કૂલ્સને લાગું પડે છે. યુનિવર્સિટીઝમાં અભ્યાસ ફરી શરૂ કરવાના નિર્ણય દરેક સંસ્થાના ધોરણે લેવાશે, સંસ્થાઓને તબક્કાવાર ફરી કાર્યરત થવા, વર્ચ્યુઅલ ક્લાસિસ ચાલુ રાખવા તેમજ ગ્રેજ્યુએશન સમારંભોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરાય છે.