અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે બે અઠવાડિયા પહેલા પોતાના ટ્વીટમાં જે આશંકા વ્યક્ત કરી હતી તે ગુરુવારે થયું. ટ્રમ્પ ટાવર સામે શહેરના એક્સક્લુઝિવ ફિફ્થ એવન્યુ પર મોટા પીળા અક્ષરોમાં ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ લખવામાં આવ્યું છે. આ લખનાર લોકોમાં ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લાસિયો પણ સામેલ હતા.
આ ટાવર પ્રેસિડેન્ટ ટ્રમ્પની મૂલ્યવાન સંપત્તિ પૈકીનું એક છે. મેયરે જણાવ્યું હતું કે, અમારા શહેરમાં અશ્વેતોનું જીવન મહત્ત્વનું છે. ચાલો એવું જ પ્રેસિડેન્ટ ટ્રમ્પને જણાવીએ, કારણ કે તેઓ એ વાત નથી સમજતા. તેમના માટે તેમની બિલ્ડિંગ સામે જ તેને લખી દઇએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ ટાવર સામે ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ લખવાની જાહેરાત કરવા અંગે પ્રેસિડેન્ટ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ ન્યૂયોર્કના મેયર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મેયર બ્લાસિયો ટ્રમ્પ ટાવર સામે ફિફ્થ એવન્યૂ પર પીળા રંગથી ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ લખવાનું આયોજન કરી રહ્યા છે.