ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેની હેરીઝ કોવિડ-19ના બીજા મોજા વિશે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી લોકોને કોરોનાવાયરસ બીમારીને રોકવા માટે વજન ઓછું કરવા વિનંતી કરી છે.
હિલિંગડન હોસ્પિટલના સ્ટાફના સદસ્યોને કોવિડ-19 રોગચાળાની અસર થયા પછી વેસ્ટ લંડનની હિલિંગ્ડન હોસ્પિટલે તેનું એ એન્ડ ઇ બંધ કરી દીધા બાદ જેની હેરીઝે જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસ સામે લડવામાં “હજી લાંબી મજલ” કાપવાની બાકી છે અને લોકોએ બેફીકર બનવાની જરાય જરૂર નથી. હજૂ લોકોએ હાથ ધોવા, સામાજિક અંતર જાળવવા અને મર્યાદિત સામાજિક સંપર્ક જાળવવો જોઈએ. મને વિશ્વાસ છે કે રસી મળી જશે પરંતુ આ વર્ષે મને અપેક્ષા નથી.’’
હિલિંગડન હોસ્પિટલના 70 સભ્યો આઇસોલેશનમાં છે અને બધી એમ્બ્યુલન્સને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે. ડો. હેરીઝે આઇટીવીની ધીસ મોર્નીંગ કાર્યક્રમમાં કહ્યું હતું કે “વાયરસ હજી બહાર છે જ, તે ચેપ લગાડવા વધુ લોકોને શોધી રહ્યો છે અને આપણે તે બંધ કરવું જોઈએ. સ્થુળતા ખરેખર સમસ્યારૂપ છે અને તે એક એવી બાબતો છે કે જેના વિશે આપણે કંઇક કરી શકીએ. ”
ચાન્સેલર સુનકે જણાવ્યું હતું કે વડા પ્રધાન પણ કોરોનાવાયરસથી સ્વસ્થ થયા પછી વજન ઘટાડવા માટે મોટા પાયે પ્રયત્નો કરી રહ્યા છે.