કેપારો ગ્રૂપ અને કેપારો બુલ મૂઝ, ઇન્ક.ના અધ્યક્ષ અને લોર્ડ સ્વરાજ પૉલ ઓફ મેર્લીબોને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના ક્રેસ્ગે ઑડિટોરિયમ ખાતે સ્વરાજ પૌલ થિયેટરના નિર્માણ માટે 5 મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે. આ દાન પૉલ પરિવારના ચેરીટેબલ ટ્રસ્ટ અંબિકા પૌલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું છે.

 

ફિનિશ-અમેરિકન આર્કિટેક્ટ ઇરો સૈરીનેન દ્વારા બનાવવામાં આવેલ ક્રેસ્ગે ઑડિટોરિયમ આર્કિટેક્ચરલી રીતે નોંધપાત્ર છે અને એમઆઈટી કેમ્પસના મધ્યમાં આવેલું છે. 1955માં શરૂ થયેલ ક્રેસ્ગેએ એમઆઈટી સમુદાયના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સુવિધાનુ વર્ષ 2016માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એમઆઈટી મ્યુઝિક અને થિયેટર આર્ટસ પ્રોગ્રામ્સ માટે પરફોર્મન્સ માટે સુવિધા અને પ્રેક્ટીસ માટે જગ્યા પૂરી પાડે છે. આ ઉપરાંત, ઑડિટોરિયમ એમઆઈટી ઇવેન્ટ્સ, સિમ્પોઝિયમ, વિદ્યાર્થીઓના પરફોર્મન્સ અને કેમ્બ્રિજ સિમ્ફની ઓર્કેસ્ટ્રા સહિત વિવિધ સમુદાયીક પ્રવૃત્તિઓના સ્થળ તરીકે સેવા આપે છે. લોર્ડ પૉલ અને તેમના પુત્રો આકાશ પૉલ અને દિવંગત અંગદ પૉલે એમઆઈટીમાં અભ્યાસ કર્યો હતો.

આ ભેટની માન્યતા રૂપે, ક્રેસ્ગે ઑડિટોરિયમના વિશાળ હોલને ‘લોર્ડ સ્વરાજ પૉલ પીસી ’52 અને અંગદ પોલ ’92 થિયેટર’ તરીકે નામ આપવામાં આવશે અને લોકોમાં સ્વરાજ પોલ થિયેટર તરીકે ઓળખાશે.

લોર્ડ પૉલે કહ્યું હતું કે, “હું પહેલી વાર 1949માં ભારતથી એમઆઈટી આવ્યો ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા ઓછા ભારતીય વિદ્યાર્થીઓ હતા અને તે અનુભવે મારી જિંદગી બદલી નાખી. એમઆઈટીમાં મારા સમયને કારણે જ મેં મારી કેપારો કંપનીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં વધારવાનું નક્કી કર્યું હતું અને 30 વર્ષથી વધુ સમયમાં અમે બુલ મૂઝ ટ્યુબ અને એક્સએલ ટ્રેઇલર્સના બિઝનેસીસમાં દેશભરમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

 

“હું હંમેશાં ટેક્નીકલ એક્સેલન્સના વૈશ્વિક કેન્દ્ર તરીકે એમઆઈટીને ખૂબ જ આદર આપું છું, અને 1970 અને 80ના દાયકામાં મારા પુત્રો જ્યારે મને અનુસરીને ત્યાં ગયા ત્યારે મને આનંદ થયો હતો. એમઆઈટી અમારા પરિવાર માટે ઘણું જ મહત્વ ધરાવે છે અને મને ગર્વ છે કે કે અમે આ પ્રતિમાત્મક ઇમારત દ્વારા તેના મૂલ્યો અને જીવન પદ્ધતિને ચાલુ રાખવા માટે સમર્થ છીએ.”

અંબિકા પૉલ ફાઉન્ડેશન લોર્ડ સ્વરાજ પૉલની પુત્રી, અંબિકાની યાદમાં સ્થાપવામાં આવેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેનું 1968માં 4 વર્ષની વયે લ્યુકેમિયાથી અવસાન થયું હતું. તેમની બીમારીની સારવાર માટે લોર્ડ પૉલ 1966માં પ્રથમ વખત બ્રિટન આવ્યા હતા. તેઓ અંબિકાના દુ:ખદ અવસાન પછી યુકેમાં જ રોકાયા હતા અને વિવિધ બિઝનેસીસના વૈવિધ્યસભર વૈશ્વિક સંગઠન કેપોરો બનાવવાની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશનની સ્થાપના 1978માં કરવામાં આવી હતી અને ત્યારથી પૉલ પરિવાર અને કોપારો બિઝનેસીસ દાન આપી રહ્યું છે. જેમાં  લંડન ઝૂ ખાતે અંબિકા પૉલ ચિલ્ડ્રન્સ ઝૂ સહિત નોંધપાત્ર દાનનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશન શિક્ષણ, સંસ્કૃતિ અને આરોગ્ય માટે સમગ્ર વિશ્વમાં બાળકો અને યુવાનોની સુખાકારીને પ્રોત્સાહન આપે છે અને તેઓ જે વિશ્વમાં જીવે છે તે વિશે શીખવા માટે તેમને પ્રોત્સાહિત અને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરે છે.