હકારાત્મક પરિવર્તન બનાવવા અને ટકાવી રાખવા માટે તેમજ દૈનિક જીવનમાં આગળ વધવા બદલ લેસ્ટરના 15 વર્ષના ટીનએજર દેવ શર્માને માનવતાવાદી પ્રયત્નો માટે યુવાનો માટેના સર્વોચ્ચ અને પ્રતિષ્ઠીત ડાયેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયેનાની યાદમાં સ્થાપવામાં આવેલ ચેરિટી સંસ્થા દ્વારા આ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેને તેમના બંને પુત્રો, ડ્યુક ઑફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલીયમ અને ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરીનો ટેકો છે.

દેવ શર્મા ખોરાકની અછતનો અંત લાવવા માટે અભિયાન ચલાવતા અને બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે અથાક કાર્ય કરી રહેલા કાર્યકર છે. ‘બાઇટબેક 2030’ ઝુંબેશની આગેવાનીમાં તેઓ 2030 સુધીમાં તંદુરસ્ત પેઢી માટેના તેમના મિશન પાછળનું એક ચાલક બળ છે.

યુકેની સંસદમાં ફૂડ એમ્બેસેડર તરીકે દેવે યુકેમાં યુવાનો માટે ખોરાકની અસલામતી માટે પબ્લિક ઇન્કવાયરીની માંગ કરી છે અને સરકારને ઉનાળા દરમિયાન નિ:શુલ્ક સ્કૂલ મીલ આપવાની ફરજ પાડવાની રાષ્ટ્રીય વાતચીતનું નેતૃત્વ કર્યું હતુ. દેવ લેસ્ટરનો યુવા સાંસદ છે અને તેણે નાઇફ ક્રાઇમ, કટ્ટરપંથના વ્યાપને રોકવા અને યુથ એડવોકસી પર સ્થાનિક સમુદાય સાથે કામ કર્યું હતું. દેવે માનસિક આરોગ્ય અને ખોરાકની સમાનતા જેવા વિષયો પર સીધો રાષ્ટ્રીય સરકારને અહેવાલ આપ્યો છે.

દેવને સેલિબ્રિટી શેફ અને કેમ્પેઇનર જેમી ઑલિવરે અભિનંદન પાઠવ્યા હતા.