કોરોનાવાઇરસના રોગચાળાને કારણે આ વર્ષે નોબેલ પ્રાઇઝ વિતરણ સમારંભ રદ કરવાની ફરજ પડી છે. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા મુજબ આવું 1956 પછી પ્રથમવાર બની રહ્યું છે. આ સમારંભના આયોજક નોબેલ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, હવે નોબેલ પ્રાઇઝ વિતરણ સમારંભ નવા સ્વરૂપે યોજાશે, તે અંગે માહિતી પછીથી આપવામાં આવશે. અત્યારે વિશ્વભરના દેશોમાં કોરોનાનો કેર વ્યાપેલો છે અને તેના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
નોબેલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર લાર્સ હેકેનસ્ટેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પરંપરાગત નોબેલ વીકનું આયોજન નહીં થાય. રોગચાળાને કારણે પરિસ્થિતિ જુદી છે. સામાન્ય રીતે ડીસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ ભવ્ય નોબેલ પ્રાઇઝ સમારંભનું આયોજન કરવામાં આવે છે, તે નોબેલ વીક તરીકે ઓળખાય છે.
નોબેલ પુરસ્કારના વિજેતાઓને સ્ટોકહોમમાં આમંત્રિત કરવામાં આવે છે. ત્યાંના સિટીમાં હોલમાં વિજેતાઓ, સ્વીડિશ રાજવી પરિવાર અને અંદાજે 1300 મહેમાનો માટે ડિનર સમારંભ તથા મનોરંજનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એવોર્ડ્સ તો એનાયત કરાશે, પણ સમારંભ નહીં યોજાય.