Woodlands Health Campus Facebook page

સિંગાપોરમાં કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન મોખરાની હરોળમાં રહી દર્દીઓની સારવાર કરનાર ભારતીય નર્સનું પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. કલા નારાયણસામીની સાથે અન્ય ચાર નર્સને પણ આ એવોર્ડ એનાયત કરાયો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ તમામને પ્રેસિડેન્ટ હલીમા યાકુબના હસ્તાક્ષર સાથેનું સર્ટિફિકેટ, એક સ્મૃતિ ચિહ્ન અને 10 હજાર સિંગાપોર ડોલર આપવામાં આવ્યા છે.

નારાયણસામી વૂડલેન્ડ્સ હેલ્થ કેમ્પસમાં નર્સિંગ વિભાગમાં ડેપ્યુટી ડાયરેકટર છે. તેમને આ વખતે કોરોનાવાઈરસના રોગચાળા દરમિયાન ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસના ઉપયોગ બદલ સન્માનિત કરાયા છે. તેમણે 2003ના સીવીયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ના રોગચાળા સમયે એ પ્રેક્ટિસમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેઓ અત્યારે વૂડલેન્ડ હેલ્થ કેમ્પસના આયોજનમાં સામેલ છે, તે 2022માં શરૂ થશે.

પોતાના સન્માન પછી તેમણે જણાવ્યું હતું કે, હું હંમેશા મારી નર્સીઝને કહીશ કે, નર્સિંગ આપને પુરસ્કૃત કરવામાં ક્યારેય નિષ્ફળ નહીં જાય. પ્રેસિડેન્ટ એવોર્ડ એ નર્સીઝને સન્માન આપે છે જેમણે નિરંતર ઉત્કૃષ્ટ કામગીરી અને દર્દીઓની સારવાર, શિક્ષણ, સંશોધન અને વહીવટમાં યોગદાન આપ્યું હોય.

2000માં આ એવોર્ડ આપવાની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધીમાં 77 નર્સીઝને તેનાથી સન્માનિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર સિંગાપોરમાં અત્યાર સુધીમાં કોરોનાના 48 હજારથી વધુ કેસ નોંધાયા છે અને છતાં તેનાથી ફક્ત 24 લોકોના મૃત્યુ થયા છે.