એશિયન બ્રિટિશ સમુદાયના જીવન, આજીવિકા સાથે ચેડા બંધ કરવા મેયર સોલ્સબીની માગણી
- એક્સક્લુઝીવ
- બાર્ની ચૌધરી દ્વારા
લેસ્ટરના મેયર સર પીટર સોલસ્બીએ સરકાર પર ‘અસંગત અને સ્કેચી ડેટા’ના આધારે તેમના શહેરને લોકડાઉન હેઠળ મૂકીને જનજીવન અને આજીવિકા સાથે રાજરમત કરવાનો આરોપ લગાવ્યો છે. મેયરે સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવા સરકારના નાણાંના £13 મિલિયન ખર્ચવાની મંજૂરી માંગતા બે પત્રો મિનીસ્ટર્સને મોકલ્યા છે પરંતુ તેઓ હજી બે અઠવાડિયા પછી પણ જવાબની રાહ જુએ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, લેસ્ટરના લગભગ 40 ટકા લોકો એશિયન છે.
શ્રી સોલ્સબીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “લેસ્ટરમાં લૉકડાઉન કરવાનો નિર્ણય સ્પષ્ટ રીતે રાજકીય હતો. મૂળ નિર્ણય ગ્રેટર લેસ્ટરના વિસ્તારને તાળા મારવાનો હતો. પણ ગયા અઠવાડિયે તેમણે ટોરી સાંસદોના દબાણ પછી આઉટર લેસ્ટરના ટોરી મત વિસ્તારો પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.”
બીજી તરફ બે વકીલો ન્યાયિક સમીક્ષાઓની માંગ સાથે સ્વતંત્ર રીતે સરકાર સામે લડી રહ્યા છે. બુશરા અલી લેસ્ટરના 10 નાના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘’સરકારે શહેરને ખોટી રીતે હેન્ડલ કર્યુ છે અને પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આ અઠવાડિયે મને ખબર પડશે કે તે કોર્ટની કાર્યવાહીની નજીક જવા માટે સફળ થઈ છે કે નહિ. શ્રેણીબદ્ધ ગેરવ્યવસ્થાના કારણે સ્થાનિક બિઝનેસ કોમ્યુનિટીને રીપેર ન થાય તેવું નુકસાન થયું છે. અહીં સ્થાનિક અધિકારીઓને પગલા લેવાની સત્તા આપી છે પરંતુ સમસ્યા ક્યાં છે તેની વિસ્તૃત માહિતી આપી નથી’’.
બુશરાએ જણાવ્યું હતું કે “અમને ‘લેસ્ટર લેપર્સ’ જેવા વાક્યો સાંભળવા મળી રહ્યાં છો અને અમને ચેપ ફેલાવવા અને કાયદાની અવગણના કરવા માટે જાણીતા બનાવ્યા છે. કાનૂની કાર્યવાહી વળતર માટે નહિ પરંતુ શહેરની પ્રતિષ્ઠા માટે છે.
સોલિસીટર સોફી ખાન લેસ્ટરના રહેવાસી વતી ન્યાયિક સમીક્ષાની માંગ કરી રહ્યા છે અને કહે છે કે વૈજ્ઞાનિક પુરાવા લૉક ડાઉનને સમર્થન આપતા નથી અને તેથી નાગરિક સ્વાતંત્ર્ય અને માનવાધિકારનો ભંગ કરે છે. જો આ મામલો કોર્ટ તરફ આગળ વધશે તો કોર્ટ પુરાવા જોશે. ખાને દાવો કર્યો હતો કે
સરકાર ઉચ્ચ દક્ષિણ એશિયાઈ વસ્તીવાળા શહેરો અને નગરોને નિશાન બનાવતી હોય તેવું લાગે છે.
સોફી ખાને જણાવ્યું હતું કે “લેસ્ટર, ઇંગ્લેન્ડમાં બહુસાંસ્કૃતિક વંશીય શહેર છે. ત્યારબાદ સરકારે બ્લેકબર્નને નિશાન બનાવ્યું, જે એશિયનોનો બીજો ગઢ છે, અને પછી તે લુટનનો નંબર આવ્યો. તે કેમ એશિયનોના આ ગઢને નિશાન બનાવી રહી છે? ”
લેસ્ટરની 50 ટકા અશ્વેત વસ્તી યુકેમાં સૌથી વધુ વંશીય લઘુમતીઓનું પ્રમાણ છે. લુટનમાં આ પ્રમાણ 45 ટકા અને બ્લેકબર્ન અને ડાર્વેનમાં વંશીય લોકોની વસ્તી 30 ટકા છે.
સરકારની દલીલ છે કે તે જાતિવાદને સાંખી લેશે નહિં. પરંતુ લેસ્ટર, બ્લેકબર્ન અને ડાર્વેન અને લુટનમાં ક્ષેત્રીય લૉકડાઉનને લાગુ કરવાનો નિર્ણય, આરોગ્ય અને બિન-આરોગ્ય સૂચકાંકોની શ્રેણીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. પરંતુ વિવાદ રોગચાળાનો ડેટા શેર કરવા બાબતે છે. શહેરના ડોકટરોએ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને પોસ્ટકોડ સ્તરે માહિતી શેર કરવા માટે હાકલ કરી છે જેથી સ્થાનિક અધિકારીઓ ચોક્કસ વિસ્તારોમાં ઝડપથી કામ કરી શકે.
લેસ્ટર યુનિવર્સિટીના પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર કમલેશ ખુંટીએ જણાવ્યું હતું કે, ‘’અમને ઝડપથી સ્થાનિક ડેટાની જરૂર હોય છે. સ્થાનિક ટીમો શોધી કાઢવા માટે જવાબદાર છે, આ ક્ષણે ડેટા હજી કેન્દ્રિય સ્તરે છે. અમે બ્લેકબર્નમાં પણ જોયુ છે પણ તે લોકોને ટ્રેસ કરવામાં સક્ષમ નથી. બ્લેકબર્ન ફરીથી એક ઉચ્ચ વંશીય લઘુમતી વસ્તી છે, અને મને લાગે છે કે આ એવા મુદ્દા છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સમાન હશે જ્યાં BAME ની ઉંચી વસતી હોઈ શકે.”
લેસ્ટરના મેયરે સોલસ્બીએ જણાવ્યું હતું કે “પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ, આરોગ્ય વિભાગ અને હોમ સેક્રેટરી સહિત સરકારના ઘણાં વિભાગ સંકળાયેલા છે અને તેઓ તેમની પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં અને ટેસ્ટીંગ કરવામાં નિષ્ફળ ગયા છે. સ્થાનિક લોકો, સ્થાનિક સમુદાયોને જાણે છે અને તેમને ખબર છે કે તેઓ શું કરે છે.”
ગરવી ગુજરાત સમજે છે કે ઇંગ્લેન્ડની તમામ કાઉન્સિલો, પોસ્ટકોડ સ્તર સુધીના ટેસ્ટ ડેટાને મેળવી શકે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ ગુણવત્તાની ખાતરી બાદ તુરંત જ તેને શેર કરે છે, અને 11 જૂનથી આ સ્થિતિ છે. પરંતુ લેસ્ટરના મેયર સર પીટર સોલસ્બીએ તેને નકારી કાઢતાં જણાવ્યું હતું કે “તે સંપૂર્ણ વાહિયાત છે. ડેટાનું સ્તર અસંગત છે અને પૂરતું ચિત્ર પ્રદાન કરતા નથી.”
ગયા અઠવાડિયે લેસ્ટરના મેયરને સ્થાનિક ડેટા એનાલીસ્ટનો આ સંબંધિત ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં ડેટાનો ઉપયોગ કરવો અશક્ય, કોઈ સહાયક માહિતી વિનાનો અને કામને ખૂબ મુશ્કેલ બનાવતો જણાવ્યો હતો.
ગરવી ગુજરાતે મેયર દ્વારા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને લખેલા બે પત્રો પણ જોયા હતા જેને બિઝનેસ સેક્રેટરી, આલોક શર્મા સહિત ત્રણ અન્ય મિનીસ્ટરેનો કોપી કરાયા હતા. સોલ્સબીએ તા. 17 જુલાઇએ લખ્યું હતું કે “સોમવાર, 13 જુલાઈની આપણી બેઠકમાં તમે લેસ્ટરના વ્યવસાયોને વધારાના ટેકો પૂરા પાડવાની તમારી પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી. ગઈકાલે તમે જાહેર કરેલા પ્રતિબંધોના કારણે શહેરના વ્યવસાય ક્ષેત્રે રોષ ફેલાયો છે અને ઇમરજન્સી ફંડની માંગણી કરી છે.” સોલ્સબીએ જણાવ્યું હતું કે ‘’તેમણે બીઆઈએસ વિભાગ દ્વારા લેસ્ટર માટે રાખવામાં આવેલા £85 મિલિયનમાંથી £10 મિલિયન પાછા આપવાના રહેશે.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ યોજના શરૂ થયા પછી 6,000થી વધુ બિઝનેસીસને કુલ £70 મિલિયનથી વધુની ગ્રાન્ટ મળી છે. જ્યાં યુકેના અન્ય ભાગોની તુલનામાં ડેટામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, ત્યારે અમે વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન પગલાંને ફરીથી રજૂ કરવા અને લોકોને બચાવવા સ્થાનિક અધિકારીઓ સાથે મળીને સ્પષ્ટ અને નિર્ણાયક પગલાં લેતા અચકાશુ નહીં. લેસ્ટરમાં, બ્લેકબર્ન અને લુટનની જેમ, અમે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ”
સરકાર સામેના આક્ષેપ અંગે પૂછતા ડીએચએસસીએ કન્ઝર્વેટિવ પાર્ટીના મુખ્ય મથક તરફ ગરવી ગુજરાતનું ધ્યાન દોર્યું હતું. જો કે પ્રકાશન સમયે, ટોરી મુખ્ય મથક અને હેલ્થ સેક્રેટરી બંનેએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.