ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અત્યાર સુધી મોસમનો 86.72% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના નર્મદા સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 1,85,579 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ 55.55 ટકા જેટલો થયો છે.
રાજ્યના 62 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 65 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 24 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા પાણી ભરાયા છે. 25 થી 50 ટકા વચ્ચે 29 જળાશયો જયારે 25 ટકાથી ઓછા ભરાયા હોય એવા 25 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે 20મી ઓગસ્ટની સવારે 6.00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 179 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 17 તાલુકાઓ એવા છે કે જ્યાં બે થી પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 95 મીમી એટલે કે પોણા ચાર ઈંચ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં 85 મીમી, આણંદના બોરસદ તાલુકામાં 81 મીમી, નવસારીના ચીખલી-વાંસદા અને વલસાડ તાલુકામાં 77 મીમી એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પેટલાદ, ગણદેવી, વઢવાણ, સૂઈગામ, ડેડિયાપાડા, સુબિર, વઘઈ, બારડોલી, ડાંગ-આહવા, નવસારી અને કાંકરેજ તાલુકામાં 50 મીમી થી 71 મીમી એટલે કે બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના 30 તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 86.72 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 118.47 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 78.55 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 66.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 63.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 164 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 149 માર્ગોનો સમાવેશ થાય છે.