વેસ્ટ મિડલેન્ડ્સના ઓલ્ડબરીના મોટ રોડ ખાતે રહેતા 52 વર્ષીય જસબીર કૌર અને તેમના પતિ રૂપીંદર બાસનની ગત ફેબ્રુઆરીમાં છરીના ઉપરાછાપરી 50 વાર કરી કરપીણ હત્યા કરવા બદલ સ્મિથવિકના હેમિલ્ટન રોડ ખાતે રહેતા તેમના પુત્ર અનમોલ ચનાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં જ્યુરીએ દોષીત ઠેરવી 36 વર્ષ જેલની સજા ફટકારી હતી.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટની સુનાવણીમાં જેસન પિટર ક્યુસીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘’હેમિલ્ટન રોડ, સ્મિથવિકના 26 વર્ષીય અનમોલ ચના દ્વારા જસબીર કૌર અને રુપિંદર સિંહ બસન પર છરી વડે આક્રમક હુમલો કરી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
જસબીર કૌરે 2019માં બીજા લગ્ન કર્યા બાદ તેના પતિ રૂપીંદરે “સહાનુભૂતિ” રાખી અનમોલને પોતાના ઘરે રાખ્યો હતો જેથી તેઓ તેમની સંભાળ રાખી શકે. તે તા. 22 ફેબ્રુઆરીએ પિતાના ઘરે રહેવા ગયો હતો. પરંતુ તેની બહેન કિરણે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 4:29 કલાકે પોલીસ બોલાવતા તેમણે પતિ-પત્નીની હત્યા થયેલી જોઇ હતી.
જજ વૉલે સજા ફરમાવતાં કહ્યું હતું કે “તેં તારી માતાની હેન્ડ બેગમાંથી પૈસા ચોર્યા હતા અને ભાગી જવા માટે ટિકિટ પણ બુક કરાવી હતી અને કારમાં આગ લગાડવા માટે પેટ્રોલ બોમ્બ બનાવવાના હેતુથી પેટ્રોલ પણ ખરીદ્યું હતું. હત્યા પછી, પણ તેં ભોગ બનેલા માતા-પિતાને મદદ કરવા માટે કંઇ કર્યું ન હતું અને પબમાં જતો રહ્યો હતો અને એસ્કોર્ટ્સની તપાસ કરી હતી.
જજ વૉલે જણાવ્યું હતું કે ‘’મિસ્ટર બાસન અથવા તમારી માતાએ આ તકરારની શરૂઆત કરી નહતી. તેં જ લડાઇ શરૂ કરી હિંસા આચરી હતી. તેં કરેલા હુમલામાં કેટલાક ઘાથી તો તેમના હાડકા કપાઇ ગયા હતા અને ધમનીઓ તથા નસોને નુકસાન પહોંચ્યું હતુ. મિસ્ટર બાસન પરના કેટલાક ઘા તો તેઓ જમીન પર હતા ત્યારે કરાયા હતા. તેમની બચવાની ઓછી સંભાવના હોવા છતાં તેં હુમલો કર્યો હતો.’’
અનમોલને તેની માતા સાથે પહેલાથી અદાવત હતી અને તેના પિતા સાથેના લગ્ન તોડાવવા માટે પણ દોષીત ઠેરવ્યો હતો. તેમ છતાં ત્રણ વર્ષથી સાથે રહેતા દંપત્તીએ અનમોલને ઘરે રહેવાની મંજૂરી આપી હતી.
હત્યા કર્યા બાદ અનમોલ માતાની હેન્ડબેગ અને પર્સમાંથી પૈસા ચોરીને મિસ્ટર બાસનની ટોયોટા આયગો કાર લઇને ભાગી ગયો હતો અને એસ્કોર્ટ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને શાંતિથી પબમાં પૂલ રમ્યો હતો. તેણે એક ઑનલાઇન ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને પોલીસને ઇટાલી જવાના મુસાફરીના દસ્તાવેજો મળ્યા હતા.
દંપતીની પુત્રી કિરણે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “મારા માતાપિતા મને સૌથી પ્રિય હતા. મારી માતાએ નરકમાં જીવન પસાર કરી મને અને મારા ભાઈની સંભાળ રાખી હતી. તે સૌથી ટફ મહિલા હતી. મારા (ઓરમાન) પપ્પા તેના માટે પરફેક્ટ મેચ હતા અને મારી માને જગ્યા અને હૂંફ આપવા સક્ષમ હતા. મારા ભાઇએ ફક્ત તેમનો જીવ જ નહોતો લીધો પરંતુ પોતાને બચાવવા માટે કોર્ટમાં તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.’’
ચનાએ તેની માતાને 2017માં એક ટેક્સ્ટ સંદેશામાં કહ્યું હતું કે “મેન, મારે તેને છરી મારવી છે અથવા તેના ગળામાં ઉકળતુ તેલ રેડવું છે.’’ તેનું “વર્તન બગડ્યું” હતું અને તે માતા અને બહેન પ્રત્યે પણ આક્રમક હતો. તેને 16 વર્ષની વયે “ચાકુ પ્રત્યેનું આકર્ષણ” હોવાથી તેને ઘરમાં બંધ રાખવો પડતો હતો. અને તેની વર્તણૂકને કારણે પોલીસ બોલાવવામાં આવી હતી.