જાપાનના વડાપ્રધાન શિંજો આબેના રાજીનામા પછી આબેના વિશ્વાસુ અને ખેડૂત પરિવારમાંથી આવતા યોશિહિડે સુગા દેશના નવા વડાપ્રધાન બનશે. સોમવારે, 14 સપ્ટેમ્બરે યોજાયેલી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)ની ચૂંટણીમાં તેમણે સૌથી વધુ મત મેળવ્યા હતા.
વડાપ્રધાનપદ માટે ત્રણ ઉમેદવાર હતા. મતદાનમાં પાર્ટીના કુલ 534 સાંસદોએ ભાગ લીધો હતો. એમાં સુગાને 377 એટલે કે લગભગ 70 ટકા મત મળ્યા હતા. હવે તેમનો વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુગા અગાઉ 8 વર્ષ સુધી દેશના ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ શિંજો આબેની નજીકની વ્યક્તિ ગણાય છે.વડાપ્રધાન બનવાની રેસમાં LDPના નીતિવિષયક બાબતોના વડા ફુમિયો કિશિદા અને માજી સંરક્ષણપ્રધાન શિગેરુ ઈશિબા પણ સામેલ હતાં.