કોરોના વાઇરસ માટે વિકસાવવામાં આવેલી રસીના ઇમરજન્સીના ઉપયોગ માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી રસીની હ્યુમન ટ્રાયલ શરૂ થઇ તેના છ અઠવાડિયા પછી આપવામાં આવી છે. આ ઇનએક્ટિવેટેડ રસી ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફોમ દ્વારા બનાવવામાં આવી છે. તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ યુએઇમાં જુલાઇમાં શરૂ થઇ હતી અને હજુ સુધી ચાલી રહી છે. નેશનલ ઇમરજન્સી ક્રાઇસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, જેમને કોરોનાથી સૌથી વધુ જોખમ છે અને જે લોકો કોરોના સાથે મુખ્ય કામગીરીથી જોડાયેલા છે તેમને રસીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કોરોનાના નવા 1007 કેસ બહાર આવ્યા છે, જે મહામારી શરૂ થયા પછી સૌથી મોટા આંકડા છે. સોમવારે પણ નવા 777 કેસ નોંધાયા છે. જે રસીનું ટેસ્ટીંગ હજુ પૂર્ણ થયું નથી, તેના તાત્કાલિક ઉપયોગ અંગે કેટલાક ધારા-ધોરણો બનાવવામાં આવ્યા છે. સાથે જ તેના 31 હજાર સ્વયંસેવકો પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા મુજબ રસીની સામાન્ય અને અપેક્ષિત અસર થઇ છે, પરંતુ કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.