અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ એપ સ્ટોર્સમાંથી વીચેટ અને વિડિયો-શેરિંગ એપ ટિકટોકના નવા ડાઉનલોડ પર રવિવારની રાતથી પ્રતિબંધ મૂકશે. તેનાથી અમેરિકાના લોકો ચીનની માલિકીના આ પ્લેટફોર્મને ડાઉનલોડ કરી શકશે નહીં. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.
હાલના ટિકટોક યુઝર્સને રવિવારે કોઇ ફરક પડશે નહીં. અમેરિકાના વાણિજ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ 12 નવેમ્બર સુધી ટિકટોક માટેના વધારાના ટેકનિકલ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકશે નહીં. આ સમયગાળા સુધીમાં ટિકટોકની માલિક કંપની બાઇટડાન્સે તેના અમેરિકાના બિઝનેસ અંગે સમજૂતી કરવાની રહેશે. સરકારના આદેશ મુજબ એપલ ઇન્કના એપ સ્ટોર્સ, આલ્ફાબેટ ઇન્કના ગૂગલ પ્લે અને બીજી કંપનીઓના એપ સ્ટોર્સ અમેરિકામાં આ એપ્સના ડાઉનલોડની સુવિધા આપી શકશે નહીં. જોકે અમેરિકાની કંપનીઓ વીચેટ મારફત બીજા દેશોમાં બિઝનેસ ચાલુ રાખી શકશે. વોલમાર્ટ અને સ્ટારબક્સ જેવી કંપનીઓને ટ્રાન્ઝેક્શન અને ગ્રાહકો માટે વીચેટના મિની એપનો ઉપયોગ કરે છે.
બાઇટડાન્સ ટિકટોક ગ્લોબલ નામની નવી કંપનીની સ્થાપના માટે ઓરેકલ કોર્પ અને બીજા ભાગીદારો સાથે મંત્રણા કરી રહી છે. વાણિજ્ય પ્રધાન વિલબર રોસે શુક્રવારે જણાવ્યું હતું કે બેઝિક ટિકટોક 12 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ જાણીતા એપના અમેરિકામાં નવા ડાઉનલોડ પરના પ્રતિબંધને તેના અમલ પહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રદ કરવાની સત્તા ધરાવે છે. અમેરિકામાં ટિકટોના આશરે 100 મિલિયન યુઝર્સ છે. વીચેટ અમેરિકામાં આશરે 19 મિલિયન ડેઇલી એક્ટિવ યુઝર્સ ધરાવે છે.