ગુજરાતમાં બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળમજૂરોની હેરફેર કરાઈ રહી છે. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની સીઆઇડી ક્રાઈમે વિવિધ એક એનજીઓ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં ૩૨ બાળકોને છોડાવવામાં આવ્યાં હતા. લૉકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાઇ છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે પૈસા લઈને ગરીબ પરિવારો પોતાનાં નાનાં બાળકોને મજૂરી માટે ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ એનજીઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી ૧૫થી ૧૭ વર્ષનાં બિહારનાં ૩૨ બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે.