વિશ્વભરના પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર તાજમહેલ અને આગ્રાનો કિલ્લો લગભગ છ મહીના બાદ 21 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે ખુલશે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે તાજમહેલને 21 સપ્ટેમ્બરથી ફરી ખોલવાનો તાજેતરમાં આદેશ જારી કર્યો હતો. કોરોના વાઇરસની મહામારીને કારણે માર્ચ મહિનામાં આ પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા.
તાજમહેલમાં દરરોજ 5,000 પ્રવાસીઓને છૂટ આપવામાં આવશે. આગ્રા ફોર્ટમાં માત્ર 2,500 પ્રવાસીને મંજૂરી આપવામાં આવશે. પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ પ્રવાસન સ્થળોને ફરી ખોલવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. તાજમહેલના કેરટેકર અમરનાથ ગુપ્તાએ કહ્યું, “પૂર્વી અને પશ્ચિમી ગેટ પર સૈનિટાઈઝેશન, થર્મલ સ્ક્રીનિંગ, સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે સર્કલ્સનું પેન્ટિંગ વગેરે બનાવી દેવામાં આવ્યું છે. એક શિફ્ટમાં માત્ર 2500 પ્રવાસીઓને જ અંદર પ્રવેશની મંજૂરી અપાશે અને આ માત્ર ઓનલાઈન બુકિંગ દ્વારા જ શક્ય બનશે. વિદેશીઓને એન્ટ્રી ટિકિટ માટે 1100 રૂપિયાની ફરી આપવી પડશે. અને દેશના મુલાકાતીઓએ 50 રૂપિયા પ્રતિ ટિકિટના ચૂકવવા પડશે. સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલની કબરો જોવા માટે મુખ્ય મંચમાં એન્ટ્રી કરવા માટે 200 રૂપિયાની ટિકિટ એક્સ્ટ્રા છે.