અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓરેકલ અને વોલમાર્ટ સાથેની ટિકટોકની સૂચિત ડિલને તેમના સમર્થનની જાહેરાત કરી છે. તેનાથી ચીનની આ વિડિયો શેરિંગ એપ્લિકેશન તેના અમેરિકા ખાતેના બિઝનેસને ચાલુ રાખી શકશે. અગાઉના સુરક્ષાના કારણોસર ટિકટોકને પ્રતિબંધિત યાદીમાં મૂકવામાં આવી હતી.
આ ડીલ અનુસાર ટિકટોક માટે ટેક્સાસમાં એક નવી અમેરિકન કંપનીની રચના કરવાની રહેશે અને રોજગારીની 25,000 તક ઊભી કરવી પડશે. આ આ ઉપરાંત ટિકટોક અમેરિકાના યુવાનોના શિક્ષણ માટે પાંચ અબજ ડોલર આપશે.

ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ટિકટોક સમજૂતી કરી રહી છે. અમે ઓરેકલ સાથે કામગીરી કરી રહ્યા છીએ. તેમાં અમેરિકાની બીજી કંપની વોલમાર્ટનો સહયોગ છે. સિક્યોરિટીઝ 100 ટકા રહેશે. તેઓ અલગ ક્લાઉડ (ડેટા)નો ઉપયોગ કરશે અને તેમાં પાવરફુલ સિક્યોરિટીઝ હશે.ટ્રમ્પે જણાવ્યું હતું કે ટિકટોક શિક્ષણ માટે પાંચ અબજ ડોલરનું યોગદાન આપી રહી છે. અમેરિકાના યુવાનોના શિક્ષણ માટે અમે મોટું ફંડ બનાવી રહ્યા છીએ અને તે શ્રેષ્ઠ હશે. ડીલ થશે કે નહીં તે જોવાનું રહ્યું. પરંતુ યોજનાની દૃષ્ટીએ મને લાગે છે કે તે અમેરિકામાં શ્રેષ્ઠ ડીલ છે. તેઓ ઓછામાં ઓછા 25,000 લોકોની ભરતી કરશે. મોટાભાગે ટેક્સાસમાં નવી કંપનીની સ્થાપના કરવામાં આવશે. નવી કંપનીને ચીન સાથે કોઇ લેવાદેવા નહીં હોય. તે સંપૂર્ણપણે સુરક્ષિત હશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ડીલને મારી મંજૂરી છે. જો ડીલ થઈ જશે તો તે શ્રેષ્ઠ હશે. દરમિયાન ચીનમાં ગ્લોબલ ટાઇમ્સે રવિવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ટિકટોકની માલિક કંપની બાઇટડાન્સ ઓરેકલ અને વોલમાર્ટ સાથે સૈદ્ધાંતિક સમજૂતી કરી છે.