જો સરકાર તાકીદે કાર્યવાહી નહિં કરે તો હિથ્રો વિમાનમથકની આસપાસના છ બરોના 60,000થી વધુ સ્થાનિક લોકોની નોકરીઓ જઈ શકે છે. સ્થાનિક લોકોએ ‘હેરોઇંગ’ ઇન્ડીપેન્ડન્ટ રીપોર્ટ પછી હિથ્રો એરપોર્ટ પરની નોકરીઓને બચાવવા કાર્યવાહી કરવા હાકલ કરી છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના નવા અહેવાલમાં હીથ્રો એરપોર્ટ અને વેસ્ટ લંડનની અર્થવ્યવસ્થા પર કોરોનાવાયરસ રોગચાળાની સંપૂર્ણ અસર સામે આવી છે.
શફિક એમ્માબોકસે કહ્યું હતું કે “કોવિડ-19 એ એવિએશન સંબંધિત નોકરીઓ પર વિનાશક અસર કરી છે. હું ઘણા લોકોને જાણું છું જેઓ આર્થિક વિનાશનો સામનો કરે છે. હું હંસલો બરોમાં રહ્યો છું અને સ્થાનિક લોકો તેમના પરિવારને ખવડાવવા અને તેમના મોર્ગેજ ભરવા એરપોર્ટ પર નિર્ભર છે.”
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના નવા અહેવાલમાં જણાવાયું છે કે હીથ્રો એરપોર્ટ ખાતે આ વર્ષે મુસાફરોની અવરજવર 81% ઓછી છે અને તેનાથી ખાસ કરીને છ સ્થાનિક બરો ઇલિંગ, હિલિંગ્ડન, હંસલો, સ્લાવ, સાઉથ બક્સ અને સ્પેલથોર્નના અર્થતંત્ર પર નોંધપાત્ર અસર થશે.
હિથ્રો કુલ 133,600 નોકરીઓને ટેકો આપે છે અને આવતા વર્ષે 37,000 નોકરીઓ ઓછી થઈ શકે છે પણ ખરાબ સંજોગોમાં છ બરોમાં 62,000 જેટલી નોકરીઓ જઈ શકે છે.
બેક હિથ્રોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પરમજિત ઢાંડાએ કહ્યું હતું કે “વેસ્ટ લંડન અને થેમ્સ વેલી માટે આ જોખમી અહેવાલ છે. સરકારે ઉડ્ડયન ક્ષેત્રે અને આપણા સ્થાનિક સમુદાયોમાં નોકરી બચાવવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે. ઉડ્ડયનના સંકટ સામે સરકારનો સુસ્ત પ્રતિસાદ હિથ્રોના પાડોશી તમામ બરોના સમુદાયોને નુકસાન પહોંચાડે છે.”
બેક હિથ્રો અભિયાન, સ્થાનિક વ્યવસાયો અને ટ્રેડ યુનિયનો હાલની કોરેન્ટાઇન વ્યવસ્થાને સમાપ્ત કરવા અને તેને સ્થાને એરપોર્ટ્સ પર કોવિડ-19 ટેસ્ટીંગ કરવા તાત્કાલિક સરકારી પગલાં લેવાની હાકલ કરી રહ્યા છે.