વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલ તેના અમેરિકા ખાતેના બિઝનેસને ક્લેવલેન્ડ-ક્લિફ ઇન્ક સાથે મર્જની કરવાની શક્યતા ચકાસી રહી છે. ક્લેવલેન્ડ-ક્લિફ અમેરિકાની સૌથી મોટી આયર્ન ઓર પેલેટ ઉત્પાદક કંપની છે. એમ આ ગતિવિધિથી માહિગતાર વ્યક્તિઓએ જણાવ્યું હતું.
ક્લેવલેન્ડ-ક્લિફે ગયા માર્ચમાં આશરે ત્રણ અબજ ડોલરમાં અમેરિકાની ફ્લેટ રોલ્ડ કાર્બન સ્ટીલ્સ ઉત્પાદક AK સ્ટીલને હસ્તગત કર્યા બાદ આ હિલચાલ કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આર્સેલરમિત્તલના અમેરિકા ખાતેના બિઝનેસને ક્લેવલેન્ડ-ક્લિફ સાથે મર્જ કરવાનો સોદો થઈ શકે છે. આર્સેલરમિત્તલના આ બિઝનેસનું મૂલ્ય આશરે બેથી ત્રણ અબજ ડોલર છે. ક્લેવલેન્ડ-ક્લિફનું બજારમૂલ્ય આશરે 2.3 અબજ ડોલર હોવાનો અંદાજ છે. જૂનના અંતે તેનું લાંબા ગાળાનું ઋણ આશરે 4.5 અબજ ડોલર હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ મંત્રણાને પગલે ડીલ થશે તે સુનિશ્ચિત નથી, પરંતુ મંત્રણા સફળ થશે તો આગામી દિવસોમાં ડીલની જાહેરાત થઈ શકે છે. સૂત્રોએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. આર્સેલરમિત્તલ અને ક્લેવલેન્ડ-ક્લિફે આ અંગે તાકીદે કોઇ ટીપ્પણી કરી ન હતી.
આર્સેલર મિત્તલના અમેરિકા ખાતેના બિઝનેસમાં આશરે 18,000 કર્મચારીઓ અને 25 પ્લાન્ટનો સમાવેશ થાય છે. ક્લેવલેન્ડમાં હેડક્વાર્ટર ધરાવતી ક્લેવલેન્ડ-ક્લિફ અમેરિકા અને કેનેડામાં માઇનિંગ અને સ્ટીલનો બિઝનેસ ધરાવે છે. આર્સેલરમિત્તલે ગયા વર્ષે જણાવ્યું હતું કે કંપની તેના દેવામાં ઘટાડો કરવા માટે 2021 સુધીમાં બે અબજ ડોલરની એસેટનું વેચાણ કરવા માગે છે. ડિસેમ્બરમાં કંપનીએ તેના શિપિંગ બિઝનેસનો 50 ટકા હિસ્સો વેચવાની સમજૂતી કરી હતી. આ ઉપરાંત બ્રાઝિલ ખાતેની સ્ટીલકંપની ગેર્ડોમાં તેના હિસ્સાનું વેચાણ કર્યું હતું.