પાકિસ્તાનમાં એક લાંચ રૂશ્વત વિરોધી કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને તેમની બહેન ફરિયાલ તાલપુરને મની લોન્ડરીંગના કેસમાં કસૂરવાર ઠરાવ્યા છે. ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ મામલાને વિરોધ પક્ષના નેતાઓને આરોપી ઠેરવવાના સરકારના અભિયાનનો ભાગ હોવાનું જણાવ્યું છે. કોર્ટનો આ આદેશ વિરોધ પક્ષોના આવનારા મહિને વડાપ્રધાન ઇમરાન ખાનના રાજીનામાની માગણી સાથે શરૂ થનારા આંદોલન પહેલા જ આવ્યો છે.
આરોપ મુજબ ઝરદારીએ ખોટી રીતે મેળવેલા નાણાંને ખોટા બેંક ખાતામાં જમા કર્યા હતા અને પછી તેને વિદેશમાં મોકલી દીધા હતા. 63 વર્ષના ઝરદારી ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. બેનઝીર ભુટ્ટોનાં પતિ છે. તેઓ અને તેમની નાની બહેન તાલપુર કસૂરવાર જાહેર થયા તે સમયે સોમવારે ઇસ્લામાબાદની કોર્ટમાં હાજર હતા. કોર્ટે ઓમ્ની ગ્રુપના ચેરમેન અનવર મજીદ અને તેમના પુત્ર અબ્દુલ ગની મજીદને પણ આ કેસમાં કસૂરવાર ગણાવ્યા છે. 2018થી મની લોન્ડરીંગનો આ કેસ ચાલી રહ્યો છે અને તેમાં ઝરદારી અને તેમની બહેનની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિના જેલમાં રહ્યા પછી તેમને ડિસેમ્બર 2019માં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ દોષિતોએ જણાવ્યું હતું કે તેમના ઉપરના આરોપ ખોટા છે. ઝરદારી વિરુદ્ધ કોર્ટમાં પાર્ક લેન કેસ પણ ચાલી રહ્યો છે, જેની સુનાવણી પાંચ ઓક્ટોબરે યોજાશે. બીજી તરફ પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા અને પીએમએલ-એનના અધ્યક્ષ શાહબાઝ શરીફની પણ મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, તેમની સામે 41.9 મિલિયન ડોલરનો કેસ નોંધાયેલો છે. તેમના મોટાભાઇ નવાઝ શરીફ પણ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠર્યા છે અને તેઓ લાંબા સમયથી લંડનમાં, સારવાર હેઠળ છે.