(Photo credit should read DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

એક્સક્લુસીવ

  • બાર્ની ચૌધરી

બ્રિટનના સૌ પ્રથમ વરિષ્ઠ એશિયન સિવીલ સર્વન્ટ સર સુમા ચક્રવર્તી તરફથી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર “પોતાના પગ પર જ કુહાડી મારી રહી છે” અને ઓછી સ્થિર દુનિયાનું જોખમ ઉભુ કરી રહી છે.

ગરવી ગુજરાત સાથેના એક એક્સક્લુસીવ ઇન્ટરવ્યુમાં, ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ડીએફઆઈડી)ના ભૂતપૂર્વ પર્મેનન્ટ સેક્રેટરી સર સુમા ચક્રવર્તીએ તેના ફોરેન અને કોમનવેલ્થ ઑફિસમાં મર્જર થવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “જો યુકે વિકાસ પ્રણાલીના મુખ્ય પ્રદાતાઓ પૈકીનું એક નહિં રહે, તો પછી સમય જતાં વધતા સંઘર્ષ અને વધતા સ્થળાંતરના જોખમો છે. કારણ કે યુકે ઘણાં આફ્રિકન દેશોમાં ખૂબ મહત્વનું છે. DfiDની ભૂમિકા સંઘર્ષને અટકાવવાની છે, અને ગયા વર્ષે તેણે કોન્ફ્લીક્ટ, સ્ટેબીલીટી એન્ડ સિક્યુરીટી ફંડ પાછળ £46 મિલિયનનો ખર્ચ કર્યો છે.‘’

વડા પ્રધાને જૂનમાં DfID ને બંધ કરી નવી ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસની  (એફસીડીઓ) રચના કરવાની ઘોષણા કરી હતી. સરકાર માને છે કે યુકે માટે વિશ્વના મંચ પર હજી પણ વધુ અસર અને પ્રભાવ પાડવાની તક છે. પરંતુ સર સુમાને ડર છે કે દેશ અસ્થિરતા પેદા કરીને વિકાસના ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોને ગુમાવશે.

તેમણે કહ્યું હતું કે “જે દેશો વિકાસ કરી રહ્યા છે તે નહીં કરે. જો આ દેશો વધુ અસ્થિર બનશે કે તકલીફમાં આવશે તો વધુ માઇગ્રેશનનો દર વધશે. વધુ સંઘર્ષને રોકવા માટેના પ્રયત્નો પર વધુ ખર્ચની ચિંતા કરવી જોઈએ. બ્રિટન ઘણા શરણાર્થીઓ માટે મેગ્નેટ છે તે રાષ્ટ્રીય હિતમાં નથી.”

બંને વિભાગને મર્જ કરવાનો નિર્ણય કૉમન્સની સીલેક્ટ કમીટી દ્વારા કરવામાં આવ્યો હતો. જુલાઈમાં, સાંસદોએ ઇફેક્ટીવનેસ ઓફ યુકે એઇડ –  FCO / DFID મર્જર રિપોર્ટની સંભવિત અસર બાબતે તેમના તારણો પ્રકાશિત કર્યા હતા.

ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સિલેક્ટ કમીટીના અધ્યક્ષ, સારાહ ચેમ્પિયને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે  ‘’સરકાર અહેવાલની કોઈપણ ચેતવણીઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ છે. વિકાસ સંઘર્ષને અટકાવે છે, તે સુરક્ષાને વેગ આપે છે અને વિશ્વભરના કેટલાક સૌથી સંવેદનશીલ લોકોની જીવન શક્યતાઓને વધારે છે. જો નવી એફસીડીઓ વિકાસની તેની પ્રતિબદ્ધતાને નિભાવવામાં નિષ્ફળ જશે તો વિશ્વભરમાં સંઘર્ષ કરનારાઓ માટે વિશ્વ વધુ મુશ્કેલ બનશે.”

યુનિયનોએ ચેતવણી આપી છે કે મહિનાની શરૂઆતમાં (2 સપ્ટેમ્બર) બંને વિભાગોના મર્જરને કારણે નોકરીમાં નુકસાન થશે.

પબ્લિક એન્ડ કોમર્શીયલ સર્વિસ યુનિયનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લગભગ 160 સ્ટાફ પ્રભાવિત છે અને તેમની હાલની પોસ્ટ્સ ફક્ત સપ્ટેમ્બર 2020 સુધી જ સુરક્ષિત છે, પરંતુ તેઓ બદલી કે બઢતી માટે અરજી કરી શકશે નહીં જ્યારે અન્ય એફસીડીઓ સ્ટાફ 2 સપ્ટેમ્બરથી તેમ કરી શકે છે.” યુનિયનને એવી પણ ચિંતા છે કે કાપ ફક્ત યુકે અને નોન કોમનવેલ્થ સ્ટાફને જ અસર કરશે.

એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ડીએફઆઈડી એ સિવિલ સર્વિસનું બિન-અનામત ક્ષેત્ર હતું, જેનો અર્થ એ છે કે ઇયુ અને કોમનવેલ્થ નાગરિકો બંને વિભાગમાં કાર્યરત થઈ શકે છે. જો કે, કેટલાક વિભાગો કે જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા હોય છે તે ‘અનામત’ છે, જેમાં ફક્ત યુકેના નાગરિકો જ કાર્ય કરી શકે છે. FCO આરક્ષિત કેટેગરી હેઠળ આવે છે.”

કોમનવેલ્થની અંદરના લોકોએ યુકે સરકાર પર “કોલોનીયલ એજન્ડા’’ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. એક સુત્રએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે યુકે ચોક્કસ અને મર્યાદિત રીતે આંતરરાષ્ટ્રીય કાયદાઓ તોડે છે.”

ડીએફઆઈડીની ઓવરસીઝ ડેવલપમેન્ટ એજન્સીમાં 1984માં જોડાયેલા સર સુમા કહે છે કે તેઓ “રાષ્ટ્રીય સુરક્ષા હિતો” ના દાવાઓ અંગે મૂંઝવણમાં છે. પીસીએસને પણ ચિંતા છે કે મર્જર થવાથી સંભવિત સેંકડો કાયમી ફરજીયાત નોકરીમાં ઘટાડો થશે. સિવિલ સર્વિસે 2010માં ભરતી ફ્રીઝ કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી FCOમાં કામ કરતા લોકોને 23 મહિના પછી કાયમી નોકરીની સંભાવના સાથે ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ (એફટીસી) આપવામાં આવશે. આનાથી તેઓએ વર્તમાન રોજગાર કાયદા હેઠળ રીડન્ડન્સી રાઇટ્સના અધિકારો મળશે નહિ. જેમાં તમે એક જ કંપની માટે સતત બે વર્ષથી કાર્યરત હો તો લાભ મળે છે.

2020ના ઓગસ્ટમાં, FCO-DfID HR એ સંયુક્તપણે કાયમી કરવાની પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરી હતી. એફટીસી સ્ટાફને 12 મહિનાના હોમ રોલ અથવા ત્રણથી ચાર વર્ષના આંતરરાષ્ટ્રીય રોલ માટે અરજી કરવાની તક આપવામાં આવી હતી. જેઓ ચાર વર્ષ સુધી નોકરી કરે તેમને કાયમી ગણાશે, પરંતુ જેમને કરારના અંતે 24થી 36 મહિનાની સેવા કર્યા બાદ ચાલુ રાખવામાં આવશે નહીં તેમને રીડન્ડન્સી હક્કો  મળશે નહિ એમ એફસીડીઓ દાવો કરે છે. પીસીએસ ચિંતિત છે કે આનાથી અશ્વેત અને સામાજિક રીતે વંચિત સ્ટાફને અસર થશે.

ભૂતપૂર્વ FCO કર્મચારીઓની તુલનામાં, વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાન અને BAME મળી 500 જેટલા કર્મચારીઓ અસરગ્રસ્ત છે. એફટીસી સ્ટાફ પાસે કાયમી નોકરીઓ ન હોવાથી, નવી એફસીડીઓ માટે તેમની નોકરી કાપવાનું એક સરળ લક્ષ્ય હશે.

સરકારની સિવિલ સર્વિસ ડેશબોર્ડ બતાવે છે કે 2012થી 2019 સુધીમાં, બંને FCO અને DfID માં વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ લગભગ 12 ટકાથી વધીને 14.5 ટકા થયું છે.

સરકારના પ્રવક્તાએ આ અખબારને કહ્યું હતું કે “બધા બિન-બ્રિટીશ નાગરીકો પૂર્વ ડીએફઆઈડી સ્ટાફને એક જ દિવસે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસમાં બદલવામાં આવ્યા છે અને મર્જરના પરિણામે કોઈને ફરજિયાત રીડન્ડન્ટ કરાયા નથી. અમે આ પ્રક્રિયા દરમ્યાન કર્મચારીઓ અને તેમના ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ અને તેને ચાલુ રાખીએ છીએ.”

પીસીએસના પ્રવક્તાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “વિભાગે કોઈ ફરજીયાત રીડન્ડન્સીની ખાતરી આપી નથી, પરંતુ તેમણે ક્વોલીટી ઇમ્પેક્ટ એસેસમેન્ટ કર્યું નથી. તેનો અર્થ એ થયો કે ફિક્સ ટર્મ કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓ સંભવત: નોકરીમાં કોઈપણ કાપ માટેનું સરળ લક્ષ્ય હશે.’’

વર્ષ 2019-20 દરમિયાન 3,500થી વધુ લોકોએ વિભાગ માટે કામ કર્યું હતું, જેમાંથી ફક્ત 11 યુનિયનના સભ્યો હતા. કુલ ડીએફઆઈડી વેતન બિલ £219 મિલિયન હતું.

ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલને ટોની બ્લેરની નવી લેબર સરકારમાં બનાવવામાં આવ્યો હતો. 1997માં તે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઑફિસથી અલગ થઈ ગયો હતો. DfID એ સમગ્ર વિશ્વના વિકાસશીલ દેશોને સહાય પૂરી પાડી છે. જુલાઈમાં તેના અંતિમ વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, 2019-20માં તેણે વિકાસ પ્રોજેક્ટ્સ પર £10.8 બિલીયન ખર્ચ કર્યા હતા.