ભારતના સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટના રોજ વુલ્વરહેમ્પ્ટન રેલ્વે સ્ટેશનની બહાર બે શીખ પુરુષો પર હુમલો કરવામાં આવ્યા બાદ યુકેમાં ભારતીયો સામે નફરતના ગુનાની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. એક વાયરલ વીડિયોમાં ત્રણ કિશોરો પીડિત શીખો પર હુમલો કરતા અને એક શીખની પાઘડી બળજબરીથી ઉતારી રહ્યો હોવાનું અને હુમલાખોર યુવાન લાત મારતો દેખાય છે.
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે પુષ્ટિ આપી હતી કે ઘટનાસ્થળેથી ત્રણ કિશોરોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરાયા હતા. સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને સાક્ષીઓને આગળ આવવાની અપીલ કરવામાં આવી છે.
આ હુમલાથી વ્યાપક આક્રોશ ફેલાયો છે. ભારત સ્થિત શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે આ હુમલાની સખત નિંદા કરી, તેને “ભયાનક” ગણાવ્યો છે અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને યુકે સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવા વિનંતી કરી હતી.
સ્થાનિક સાંસદ સુરીના બ્રેકનરિજે પણ આ ગુનાની નિંદા કરી, વુલ્વરહેમ્પ્ટનની સ્થિતિસ્થાપકતાની પ્રશંસા કરી એકતા માટે આહ્વાન કર્યું છે. તેમણે પોલીસના તાત્કાલિક પ્રતિભાવ માટે આભાર માન્યો, જ્યારે સલામતી અને વિવિધતા પ્રત્યે શહેરની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
