કોરોના કાળમાં ગરીબોની ખૂબ મદદ કરનારા અભિનેતા સોનુ સૂદને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના પ્રતિષ્ઠિત SDG સ્પેશ્યલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડથી સોમવારે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના વાઇરસ દરમિયાન ફસાયેલા મજૂરોની નિસ્વાર્થ સેવા બાદ સોમવારે વર્ચ્યુઅલ સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સોનું સૂદને અભિનંદન આપ્યા હતા.
એવૉર્ડ મેળવ્યા બાદ સોનુ સૂદે કહ્યું હતું કે, મેં મારા દેશવાસીઓ માટે જે કર્યું છે અને જે કરી રહ્યો છું તે બહુ ઓછું છે. હું જે કરી રહ્યો છું તે તો માત્ર એક નાનકડો ભાગ છે. સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોરોના સમયગાળામાં સોનુ સૂદે પ્રવાસી મજૂરોને ઘરે પહોચાડયા, રહેવા માટે ઘર આપવું, બેરોજગારોને નોકરીમાં મદદ કરવી, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન, પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા સુધી દરેક પ્રકારની મદદ કરી હતી.
સોનુ સૂદ ઉપરાંત આ એવૉર્ડ એન્જલિના જોલી, ડેવિડ બેકહમ, લિયોનાર્ડો ડીકેપ્રીઓ, એમા વોટ્સન, લિઆમ નીસન, કેટ બ્લેન્સેટ, એન્ટીનો બેડ્રેસ, નિકોલ કિડમેન અને પ્રિયંકા ચોપરાને પણ આપવામાં આવ્યો છે.