બીબીસીમાં કામ કરતા શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય કર્મચારીઓ સામે બીબીસીમાં પ્રવર્તી રહેલા રેસીઝમ અને “ટોક્ષીક વર્ક કલ્ચર”ના આક્ષેપો અંગે ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇમાં પ્રસિધ્ધ થયેલા ચોંકાવનારા અને ગંભીર આક્ષેપોને પગલે બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ તપાસ કરવાની ખાતરી આપી છે.
હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ સીલેક્ટ કમિટીની સુનાવણી દરમિયાન વિન્ચેસ્ટર અને ચેંડલર્સ ફોર્ડના કન્ઝર્વેટિવ એમપી સ્ટીવ બ્રાયન દ્વારા બીબીસીમાં પ્રવર્તી રહેલા આક્ષેપો અંગે મંગળવારે તા. 29ના રોજ પ્રશ્ન પૂછવામાં આવતા ટિમ ડેવીએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો.
BAME સમુદાયના કર્મચારીઓને તેમની જાતિને કારણે બીબીસીમાં પ્રમોશનની તકો મળતી નથી અને તેમને જાતિવાદ, પૂર્વગ્રહ તેમજ પક્ષપાતનો અનુભવ કરવો પડે છે એવા શ્રાણીબધ્ધ અહેવાલો ગયા મહિને ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇ સાપ્તાહિકોમાં પ્રકાશીત થતા ખળભળાટ વ્યાપી ગયો હતો.
અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ, ઘણાં ભૂતપૂર્વ અને વર્તમાન બીબીસી કર્મચારીઓએ ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇ સાથે વાત કરી બીબીસી કોર્પોરેશનમાં દાયકાઓથી “પ્રણાલીગત, માળખાકીય અને સંસ્થાકીય જાતિવાદ” પ્રવર્તતા હોવાના આક્ષેપ કર્યા હતા.
તા. 29ના રોજ વિન્ચેસ્ટર અને ચેંડલર્સ ફોર્ડના કન્ઝર્વેટિવ એમપી સ્ટીવ બ્રાયને હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ સીલેક્ટ કમિટીની સુનાવણી દરમિયાન બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીને પૂછ્યું હતું કે ‘’શું બીબીસી સંસ્થાકીય રીતે જાતિવાદી છે?’’
ડેવીએ તેમને જવાબ આપતાં જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે બીબીસી સંસ્થાકીય રીતે જાતિવાદી છે. હું છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યમાં અગ્રેસર છું. આ તે મુદ્દો છે જેના વિશે હું ખૂબ જ ભારપૂર્વક માનુ છું.”
બીબીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે વ્યક્તિગત સ્ટાફની બાબતો પર કદી ટિપ્પણી કરી ન શકીએ, તો પણ અમે તમામ પ્રકારના બુલીઇંગ અને હેરેસમેન્ટ બાબતે ઝીરો ટોલરન્સનો અભિગમ ધરાવીએ છીએ. તેથી જ સ્ટાફ દ્વારા કરાતી ફરિયાદો અંગે અમારી પાસે મજબૂત પ્રોસેસ છે, જે બાબતે અત્યંત ગંભીરતા સાથે વ્યવહાર કરવામાં આવે છે. બીબીસી એકદમ સ્પષ્ટ છે કે અમે એક સમાવિષ્ટ અને આવકારદાયક સંસ્થા છીએ અને જો કોઈ કામ પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ અનુભવી રહ્યુ હોય તો અમને દુ:ખ થાય છે.”