સ્વિત્ઝર્લેન્ડમાં હેડક્વાર્ટર ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની બાટાએ તેના 126 વર્ષના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત એક ભારતીયની તેના વૈશ્વિક સીઇઓ તરીકે નિમણુક કરી છે. બાટા ઇન્ડિયાના હાલના સીઇઓ સંદીપ કટારિયાને બાટા કોર્પોરેશનના વૈશ્વિક સીઇઓ બનાવવામાં આવ્યા છે. બાટા વિશ્વના 70થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે અને તેના કર્મચારીની સંખ્યા આશરે 35,000 છે. તે વાર્ષિક 180 મિલિયન ફૂટવેરનું વેચાણ કરે છે.
વૈશ્વિક કંપનીઓના વડા તરીકે કાર્યરત બીજા ભારતીયોમાં માઇક્રાસોફ્ટના સત્યા નંદેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, માસ્ટરકાર્ડના અજય બંગા, આઇબીએમના અરવિંદ ક્રિષ્ના, રેકિટ બેન્કીસરના લક્ષ્મણ નરસિંમ્હન, ડિયાગોના ઇવાન મેન્ડિસ, નોવાર્ટિસના વસંત નરસિમ્હનનો સમાવેશ થાય છે.
કટારિયા તાકીદની અસરથી બાટાના વૈશ્વિક સીઇઓનો કાર્યભાર સંભાળશે. સ્વીચ ફૂડવેર કંપની માટે ભારત ટોચનું માર્કેટ છે. કટારિયાના વડપણ હેઠળ બાટા ઇન્ડિયાએ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. બાટા ઇન્ડિયાએ 2019-20માં રૂ.327 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો અને રૂ.3,053 કરોડની આવક નોંધાવી હતી.