Corona test mandatory for travelers from 5 countries in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારાની વચ્ચે રાજ્ય સરકારે આરટી-પીસીઆરના ટેસ્ટના ભાવમાં મંગળવારે ઘટાડો કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે 800 રૂપિયામાં ખાનગી લેબોરેટરીમાં આરટી-પીસીઆર ટેસ્ટ થઇ શકશે.

આ પહેલા આરટી-પીસીઆર ટેસ્ટનો ચાર્જ પંદરસો રૂપિયા હતો. પરંતુ જો કોઇ દર્દીઓ ઘરે જ ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેમણે 1100 રૂપિયા ચૂકવવાના રહેશે. ગુજરાતમાં સાત દિવસ બાદ સોમવારે કોરોનાના દૈનિક કેસની ગતિમાં સાધારણ ઘટાડો થયો હતો અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,502 નવા કેસ સામે આવ્યા હતા. જોકે, કોરોનાથી થતા મૃત્યુમા ચિંતાજનક સ્થિતિ છે. સોમવાર સુધીના છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13 સહિત 20ના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગુજરાતમાં ૨૫ ઓગસ્ટ બાદ કોરોનાથી થયેલો આ સૌથી ઊંચો દૈનિક મરણાંક છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે 6 દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લગતી પૂરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. મંગળવારે અમદાવાદને 400 નવાં બેડની સુવિધા ઊભી કરવામાં આવતી હતી.. હાલમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ એક મોટી સમસ્યા હતી, જેને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે તેમજ જરૂરિયાતને આધારે 350 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.